<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલ તરફ મક્કમ કદમ : જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ સમિતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સોંપ્યો ડ્રાફ્ટ અહેવાલ

લગ્ન, છૂટાછેડા અને મિલકત વારસા જેવા વિષયોમાં તમામ ધર્મો માટે સમાન કાયદાની ભલામણ : મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા અહેવાલના ત્રણ વોલ્યુમ રાજ્ય સરકાર સમક્ષ રજૂ

ગાંધીનગર: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ તૈયાર કરી લીધો છે. મંગળવારે ગાંધીનગર ખાતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં સમિતિના સભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ અહેવાલના ત્રણ વોલ્યુમ સોંપ્યા હતા. આ અહેવાલ રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત, લોક અભિપ્રાયો અને ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

તમામ સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું:
મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું કે, આ ડ્રાફ્ટ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને બાળક દત્તક લેવા જેવા મહત્વના સામાજિક મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે એક સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત સંહિતામાં મહિલાઓના સમાન અધિકારો અને તેમની સુરક્ષાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. અહેવાલ તૈયાર કરતી વખતે સમિતિએ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને સાંસ્કૃતિક વિવિધતાના પાસાઓને પણ ઝીણવટપૂર્વક ધ્યાનમાં લીધા છે.

ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યો
જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને બનેલી આ સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ સી.એલ. મીણા, વરિષ્ઠ એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલ સોંપતી વેળાએ સમિતિના સલાહકાર અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્નસિંઘ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ:
આ મહત્વપૂર્ણ સંવેદનશીલ દસ્તાવેજ સુપરત કરવાના અવસરે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, વૈધાનિક બાબતોના સચિવ કે.એન. લાલા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર હવે આ અહેવાલનો અભ્યાસ કરી આગામી દિવસોમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ અંગેની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરે તેવી શક્યતા છે.

(12:39 PM IST)