News of Tuesday, 17th March 2026
ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું ઐતિહાસિક બજેટ: આદિજાતિ વિકાસ વિભાગ માટે ₹ ૫૪૨૫.૨૫ કરોડની અને જનજાતીય કલ્યાણ યોજના હેઠળ ₹ ૩૫૭૮૨.૦૪ કરોડની માતબર જોગવાઈ
નર્મદાના ડેડીયાપાડાથી શરૂ થયેલી જનજાતીય કલ્યાણ યોજના હેઠળ પાંચ વર્ષમાં ૨ લાખ કરોડના ખર્ચે થશે સર્વાંગી વિકાસ; શિક્ષણ, આરોગ્ય અને આજીવિકા માટે નવી પહેલો સાથે આદિવાસી સમાજના ઉત્થાનનો રોડમેપ જાહેર

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેથી જાહેર કરવામાં આવેલી 'જનજાતીય કલ્યાણ યોજના' અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા આગામી પાંચ વર્ષમાં (૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧) કુલ ૨ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આદિજાતિ વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે. આ યોજના હેઠળ ચાલુ વર્ષે વિવિધ વિભાગો દ્વારા જનજાતીય કલ્યાણ માટે કુલ ₹ ૩૫,૭૮૨.૦૪ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી આદિજાતિ વિકાસ વિભાગ માટે વિશેષ ₹ ૫૪૨૫.૨૫ કરોડની જોગવાઈ છે.
શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર:
આદિજાતિ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે હેતુથી બજેટમાં અનેક સ્તરે આયોજન કરવામાં આવ્યું છે:
* શૈક્ષણિક સહાય: પ્રાથમિક શાળાના ૮.૯૩ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹ ૮૦.૪૧ કરોડ અને ૧૩.૨૫ લાખ વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ₹ ૧૪૪.૪૫ કરોડ ફાળવાયા છે.
* નિવાસી શાળાઓ: ૯૪ આદર્શ નિવાસી શાળાઓ અને ૬૮ એકલવ્ય મોડેલ શાળાઓના નિભાવ માટે અનુક્રમે ₹ ૧૧૬.૨૧ કરોડ અને ₹ ૧૬૦.૦૦ કરોડની જોગવાઈ છે.
* ઉચ્ચ શિક્ષણ: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ₹ ૬૦૦ કરોડની મોટી રકમ ફાળવવામાં આવી છે, જેનાથી ૪.૭૫ લાખ વિદ્યાર્થીઓને લાભ થશે.
* વિદેશ અભ્યાસ: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય હેઠળ ₹ ૨૫ કરોડની જોગવાઈ દ્વારા ૬૦૦ લાભાર્થીઓને મદદ કરાશે.
આજીવિકા અને આર્થિક ઉત્થાન
આદિવાસી ઉદ્યોગસાહસિકો અને ખેડૂતોને પગભર કરવા માટે નવી પહેલો અમલમાં મુકાશે:
* કૌશલ્ય વિકાસ: ટકાઉ આજીવિકા માટે આદિવાસી ઉદ્યોગસાહસિકતા ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને અદ્યતન યુટિલિટી હબ્સ સ્થાપવામાં આવશે.
* ખેતી અને પશુપાલન: કૃષિ વૈવિધ્યીકરણ યોજના હેઠળ ૧.૨૫ લાખ ખેડૂતોને ઇનપુટ સહાય માટે ₹ ૫૦ કરોડની જોગવાઈ છે. હળપતિ અને FRA પટ્ટા ધારકો માટે પશુપાલન સહાય યોજના હેઠળ ₹ ૬.૧૮ કરોડ ફાળવાયા છે.
* સ્વરોજગાર: માનવ કલ્યાણ યોજના હેઠળ ૨૭,૦૦૦ લાભાર્થીઓને વિવિધ ટૂલકીટ્સ પૂરી પાડવા ₹ ૩૪.૩૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.
સામાજિક સુરક્ષા અને આવાસ
સમાજના વંચિત અને વૃદ્ધો માટે પણ બજેટમાં વિશેષ કાળજી લેવામાં આવી છે:
* પેન્શન યોજનાઓ: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે ₹ ૨૧૬.૬૦ કરોડ અને ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના માટે ₹ ૨૩૫.૫૮ કરોડની જોગવાઈ કરાઈ છે.
* આવાસ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ૨૬,૦૦૦ લાભાર્થીઓ માટે ₹ ૩૧૨ કરોડ અને હળપતિ આવાસ યોજના માટે ₹ ૮.૪૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ અંદાજપત્ર દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે શિક્ષણ અને રોજગારીની તકો વધારવાનો દ્રઢ સંકલ્પ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
