તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹ ૪,૦૮,૦૫૩ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર: કુટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ₹ ૯૭૯ કરોડની માતબર જોગવાઈ
વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પ સાથે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા રાજ્યમાં નવા સ્વદેશી મોલ, ઈ-કોમર્સ સહાય અને ODOP યોજના માટે ₹ ૨૫ કરોડ ફાળવાયા; પરંપરાગત કારીગરોને વૈશ્વિક બજાર આપવા સરકારનો એક્શન પ્લાન

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹ ૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જે સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વનું કદમ છે. આ બજેટમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹ ૧૩,૯૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹ ૯૭૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપવા માટે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અને માર્કેટિંગ સપોર્ટ:
રાજ્યના ૯૦ જેટલા ઉત્પાદનોને ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ (ODOP) હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. આ ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત સ્થાન અપાવવા માટે ₹ ૨૫ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. કારીગરોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. વિશેષ કરીને, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર થયેલ વેચાણના ૨૦% સહાય, વાર્ષિક મહત્તમ ₹ ૫૦,૦૦૦ની મર્યાદામાં કારીગર દીઠ આપવાનું આયોજન છે.
નવી યોજનાઓ અને આધુનિક તાલીમ:
* સેન્ટર ઓફ એક્સેલન્સ (COE): NIFT અને NID જેવી સંસ્થાઓના સહયોગથી કારીગરોના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા માટે આ સેન્ટરની સ્થાપના થશે, જે માટે વર્ષ ૨૦૨૬-૨૭માં ₹ ૨ કરોડની પ્રારંભિક જોગવાઈ છે.
* ગ્લેઝ્ડ પોટરી તાલીમ: મધ્ય પૂર્વીય અને ટર્કિશ શૈલીની બ્લુ પોટરીની માંગને પહોંચી વળવા CGCRI ના સહયોગથી કારીગરોને તાલીમ આપવા ₹ ૧.૨૫ કરોડ ફાળવાયા છે.
* સ્વદેશી મોલ અને હાટ: અમદાવાદ ખાતે ‘સ્વદેશી મોલ’ની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા, ડીસા અને સિધ્ધપુર ખાતે નવા અર્બન હાટનું નિર્માણ થશે. સુરત ખાતે ₹ ૩૦૦ કરોડના ખર્ચે ‘પી.એમ. એકતા મોલ’ બની રહ્યો છે, જ્યાં દેશભરની ODOP અને GI ટેગ ધરાવતી પ્રોડક્ટ્સનું વેચાણ થશે.
કારીગરો માટેની પ્રવર્તમાન કલ્યાણકારી યોજનાઓ:
* વાજપાઈ બેંકેબલ યોજના: સ્વરોજગાર માટે આ યોજના હેઠળ ₹ ૪૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી અંદાજીત ૩૦,૦૦૦ લાભાર્થીઓને ફાયદો થશે.
* માનવ કલ્યાણ યોજના: આર્થિક રીતે પછાત વર્ગોને સાધન સહાય આપવા માટે ₹ ૨૫ કરોડના ખર્ચે ૨૦,૨૧૮ લાભાર્થીઓને ટૂલકીટ આપવાનું આયોજન છે.
* ખાદી અને માટીકામ પ્રોત્સાહન: ખાદી સંસ્થાઓ માટે ₹ ૫૭ કરોડની જોગવાઈ છે. માટીકામ કરતા કારીગરોને ઈલેક્ટ્રિક ચાક માટે ૭૫% અને ઉર્જા કાર્યક્ષમ ભઠ્ઠી માટે ૧૦૦% સબસીડી આપવામાં આવે છે.
* સહકારી મંડળીઓને સહાય: હાથશાળ અને હસ્તકલા મંડળીઓ માટે ₹ ૭૫ કરોડની જોગવાઈ છે, જેમાં ૫૦% થી વધુ મહિલા સભ્યો ધરાવતી મંડળીઓને ૧૦% વધારાનું વળતર આપવામાં આવશે.
આ બજેટ દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને સાકાર કરી ગ્રામીણ અને શહેરી વિસ્તારોનો સંતુલિત વિકાસ કરવાનું લક્ષ્ય મુખ્યમંત્રીની આગેવાનીમાં રાખવામાં આવ્યું છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
