<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ઉમરપાડામાં હેવાનિયત :લગ્ન પ્રસંગ પતાવી ઘરે જતી સગીરાને રસ્તામાં આંતરીને ચાર શખ્સોએ હવસનો શિકાર બનાવી: નરાધમોની ધરપકડ

સગીરા કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું :નરાધમો સગીરાને નિર્વસ્ત્ર હાલતમાં અને માનસિક આઘાતમાં મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પતાવી ઘરે જઈ રહેલી એક સગીરાને રસ્તામાં આંતરીને ચાર શખ્સોએ હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. સુરત ગ્રામ્ય પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક સગીર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

     પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરપાડા વિસ્તારમાં રહેતી સગીરા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન આરોપીઓએ મોટરસાઇકલ પર તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રસ્તો સૂમસામ હોવાનો લાભ ઉઠાવી, આરોપીઓએ સગીરાને આંતરી હતી અને તેને પકડીને નજીકની એક અવાવરુ જગ્યાએ ખેંચી ગયા હતા. સગીરા કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમો સગીરાને નિર્વસ્ત્ર હાલતમાં અને માનસિક આઘાતમાં મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પીડિતાએ હિંમત ભેગી કરી પોતાના પરિવારજનોને આ આપવીતી જણાવી હતી, જેના પગલે પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

  ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉમરપાડા વિસ્તારમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓના નામ:

મિતેષ વસાવા

આકાશ ચૌધરી

રાહુલ વસાવા

એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (સગીર)

સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય. હાલ પીડિત સગીરાને તબીબી સારવાર અને કાઉન્સેલિંગ હેઠળ રાખવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આવા નરાધમો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને દાખલારૂપ સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.

(7:42 PM IST)