તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 16th March 2026
વડોદરાના કારેલીબાગમાં નશામાં ધૂત દંપતીએ પોલીસ પર પથ્થરમારો કર્યો
પત્નીએ જ પોલીસને ફોન કરી બોલાવ્યા બાદ પતિ સાથે મળી બે જવાનોને ઈજાગ્રસ્ત કર્યા:પોલીસે બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું અને તેમની પાસે માફી મંગાવી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે સાંજે દારૂના નશામાં ચૂર એક દંપતીએ ફરજ પરના પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. ડાયલ 112 જનરક્ષક વાન દ્વારા મળેલી વર્ધીના આધારે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે નશામાં ધૂત પત્ની અને પતિએ એકસંપ થઈ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હુમલાખોર દંપતીની ધરપકડ કરી હતી અને બાદમાં કાયદાનું ભાન કરાવી તેમની પાસે માફી મંગાવી હતી.
ઘટનાની વિગત એવી છે કે કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતે જ નશાની હાલતમાં પોલીસને ફોન કરીને બોલાવી હતી. કંટ્રોલ રૂમ દ્વારા ‘જનરક્ષક’ ટીમને જાણ કરાતા પોલીસ જવાનો તાત્કાલિક સંતોષી માતા મંદિર પાસે પહોંચ્યા હતા. જોકે, પોલીસના આવતાની સાથે જ દ્રશ્ય બદલાઈ ગયું હતું. જે પત્નીએ પોલીસને બોલાવી હતી, તે જ પોતાના પતિ સાથે મળીને પોલીસ સામે ઉશ્કેરાઈ ગઈ હતી
પોલીસ જવાનોએ જ્યારે દંપતીને શાંતિ જાળવવાનું કહ્યું અને કાયદાનું પાલન કરવા સમજાવ્યા, ત્યારે નશામાં ધૂત પત્નીએ ઉગ્ર બનીને જમીન પરથી પથ્થર ઉપાડી પોલીસકર્મીઓ પર ફેંકવાનું શરૂ કર્યું હતું. પતિએ પણ પત્નીનો સાથ આપી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ અણધાર્યા હુમલામાં બે પોલીસ જવાનોને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી.
હુમલાની ઘટના બાદ વધુ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હુમલાખોર દંપતીને ઝડપી પાડ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઘટનાના અંતે પોલીસે દંપતીને કાયદાનું ભાન કરાવ્યું હતું અને નશાની હાલતમાં કરેલી ભૂલ બદલ તેમની પાસે જાહેરમાં માફી મંગાવી હતી. વડોદરા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જાળવતા સુરક્ષાકર્મીઓ પર હુમલો ચલાવી લેવામાં આવશે નહીં.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
