તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
તાપી એસીબીની સફળ ડિકોઈ: ઉકાઈ મત્સ્યોદ્યોગ કચેરીના મદદનીશ અધિક્ષક તેજસ રમેશભાઈ ચૌધરી ૬૦૦૦ની લાંચ લેતા ઝડપાયા : જુઓ વિડીયો
પીઆઈ કે.જે. ધડુક અને ટીમે યોજનાની સબસીડી પાસ કરવાના અવેજમાં લાંચ માંગતા અધિકારીને રંગેહાથ પકડ્યા; મદદનીશ નિયામક આર.આર. ચૌધરી અને નાયબ નિયામક બળદેવ દેસાઈના સુપરવિઝન હેઠળ કાર્યવાહી

વ્યારા: તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદોને પગલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા આજે એક સફળ ડિકોઈ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મળતી સહાયના બદલામાં નાણાંની માંગણી કરનાર મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસ રમેશભાઈ ચૌધરી ૬,૦૦૦ રૂપિયાની લાંચ લેતા કચેરીમાં જ પકડાઈ ગયા છે.
સબસીડીના બદલામાં લાંચનો ખેલ
એસીબીને લાંબા સમયથી એવી આધારભૂત માહિતી મળી રહી હતી કે ઉકાઈ સ્થિત મત્સ્યોદ્યોગ વિકાસ કેન્દ્રમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને બાઈક અને ઇન્સ્યુલેટેડ બોક્સ ખરીદવા માટે જે સબસીડી આપવામાં આવે છે, તે પાસ કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ વચેટિયા બનીને ૫,૦૦૦ થી ૮,૦૦૦ રૂપિયા સુધીની લાંચની માંગણી કરે છે. આ માહિતીની ખરાઈ કરવા માટે એસીબીએ એક જાગૃત નાગરિકનો સહકાર મેળવીને ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતું.
ડિકોઈ ટ્રેપ અને આરોપીની ધરપકડ
યોજના અંતર્ગત પસંદગી પામેલા લાભાર્થીએ ખરીદેલ સાધનોની સબસીડી મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામના અવેજ પેટે આરોપી તેજસ રમેશભાઈ ચૌધરી (વર્ગ-૩) એ લાભાર્થી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૬,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. વ્યારા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેવું અધિકારીએ લાંચની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ સ્થળ પરથી લાંચના ૬,૦૦૦ રૂપિયા પૂરેપૂરા રિકવર કર્યા છે.
ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન
આ સમગ્ર ઓપરેશન સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈ (IPS) ના માર્ગદર્શન હેઠળ ગુનાની કાયદેસરની તપાસ અને ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સરકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા અધિકારીની ધરપકડ થતા સરકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
