તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
ચાણસ્મામાં ભાજપના શક્તિપ્રદર્શન સાથે ચૂંટણી રણશિંગુ: કોંગ્રેસ પાસે ન તો વિઝન છે ન તો વિઝનરી નેતા - જગદીશ વિશ્વકર્મા
નર્મદાના દરવાજા માટે કોંગ્રેસે વર્ષો સુધી પરવાનગી ન આપી, મોદીએ ૧૭ જ દિવસમાં મંજૂરી આપી પાણી ખેતર સુધી પહોંચાડ્યું; આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજા વિરોધપક્ષને જડબાતોડ જવાબ આપશે તેવો ભાજપા પ્રદેશ અધ્યક્ષનો લલકાર

ચાણસ્મા: પાટણ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસના ભાગરૂપે ચાણસ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારના વિકાસ કાર્યોનો હિસાબ પ્રજા સમક્ષ રજૂ કર્યો હતો. સંમેલન પૂર્વે તેમણે બુથ નં. ૨૦૭ ના પ્રમુખ ઇશ્વરજી ઠાકોરના નિવાસે મુલાકાત લીધી હતી અને શહેરના મંદિરોમાં દર્શન કરી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નર્મદાના નીર અને વિકાસની રાજનીતિ
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ચાણસ્મા અને ઉત્તર ગુજરાતમાં વર્ષો સુધી પાણીની જે વિકટ સમસ્યા હતી તેનું નિરાકરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાવ્યું છે. કોંગ્રેસે વર્ષો સુધી નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી ન આપીને આ વિસ્તારને અન્યાય કર્યો હતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના માત્ર ૧૭ દિવસમાં દરવાજાની મંજૂરી આપી નર્મદાના નીર કચ્છ સુધી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ પાણીને કારણે આજે સમી-સાંતલપુરના ખેડૂતો વર્ષમાં બેથી વધુ પાક લઈ આર્થિક રીતે સદ્ધર બન્યા છે.
કોંગ્રેસની નકારાત્મકતા અને ભાજપનું વિઝન
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જે પક્ષ પાસે વિઝનરી નેતા જ નથી તે પ્રજાનું કલ્યાણ કેવી રીતે કરી શકે? કોંગ્રેસના શાસનમાં મહિલાઓને પાણી માટે ભટકવું પડતું અને ગરીબો પાસે શૌચાલય કે પાકા ઘર જેવી પાયાની સુવિધાઓ પણ નહોતી. ભાજપ સરકારે જનધન ખાતા દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો છે અને કિસાન સન્માન નિધિ તથા મફત અનાજ જેવી યોજનાઓથી સીધો લાભ પ્રજા સુધી પહોંચાડ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે નેહરુ અને ઇન્દિરા ગાંધીના સમયમાં ગરીબો માટે ગેસ કનેક્શન આપવાનો વિચાર કેમ ન આવ્યો?
સ્થાનિક વિકાસ કાર્યોની યાદી
સરકારે ચાણસ્મા વિસ્તારમાં કરેલા કાર્યોની યાદી આપતા તેમણે જણાવ્યું કે, સમી-શંખેશ્વર વચ્ચે નવો બ્રિજ, ૧૧ મોડલ સ્કૂલો, ૨૫ નવી શાળાઓને મંજૂરી, લોકેશ્વર મહાદેવ ખાતે પ્રવાસન વિકાસ અને ફોરલેન રસ્તાઓ જેવા કામો ભાજપ સરકારની વિકાસલક્ષી રાજનીતિનો પુરાવો છે. બીજી તરફ, વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
કાર્યકર્તાઓને આહ્વાન
આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તરફ ઈશારો કરતા પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને 'ચોકીદાર' બનીને રહેવા આહ્વાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચાણસ્માની પ્રજા વિકાસને મત આપી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, ધારાસભ્ય લવીંગજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં, જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું કે રાહુલ ગાંધી ગમે તેટલી બૂમો પાડે, પરંતુ દેશની ૧૪૦ કરોડ જનતાનો વિશ્વાસ મોદી સરકાર પર અકબંધ છે અને પ્રજા ભરમાશે નહીં.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
