<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગુજરાતમાં એલપીજી અને પીએનજી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા સરકારના મહત્વના નિર્ણય: હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને મળશે ૧૦૦% ગેસ પુરવઠો : રાજ્યમાં ઘરેલું એલપીજી રિફિલિંગમાં કોઈ તંગી નથી : કેરોસીનની ફાળવણીમાં કરાયો વધારો; ગ્રાહકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ કાર્યરત

હોસ્પિટલ, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ, ડેરી, સીડ પ્રોસેસિંગ, એરલાઇન-રેલ્વે કેન્ટીન, ફિશરીઝ, હોટલ-રેસ્ટોરન્ટ, કોર્પોરેટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ સહિતના તમામ સેક્ટરો માટે નવી ફાળવણી જાહેર; રાજ્યમાં ૩૫૦૪ નવા પીએનજી કનેક્શન સાથે ઈંધણ પુરવઠો સુરક્ષિત

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં એલપીજી (LPG) અને પીએનજી (PNG) વિતરણની વ્યવસ્થા સુચારૂ રૂપે ચાલુ રહે તે માટે પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા કડક પગલાંના પરિણામે રાજ્યમાં ઈંધણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. તાજેતરના આંકડા મુજબ, ૧ માર્ચ ૨૦૨૬થી અત્યાર સુધીમાં વિક્રમી ૩૫૦૪ નવા પીએનજી જોડાણો કાર્યરત કરવામાં આવ્યા છે. ઘરેલું એલપીજી રિફિલિંગમાં પણ ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બફર સ્ટોકમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
વિવિધ સેક્ટરો માટે કેપિંગ અને ફાળવણીની વિગતવાર વિગતો
સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, જે સ્થળોએ પીએનજી નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં કોમર્શિયલ એલપીજીના ૨૦% જથ્થાની મર્યાદામાં નીચે મુજબ ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે:
 * ૧૦૦% ફાળવણી (અનિવાર્ય સેવાઓ): ખાનગી અને સરકારી હોસ્પિટલો તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ ૧૦૦% પુરવઠો પૂરો પાડવામાં આવશે.
 * ૭૦% ફાળવણી (આવશ્યક ઉદ્યોગો): ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને એરલાઇન તથા રેલ્વે કેન્ટીનોને ૭૦% કેપિંગ સાથે ગેસ ફાળવાશે.
 * ૧૦% ફાળવણી (સેમી-એસેન્શિયલ): ફિશરીઝ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ અને ઢાબા, હોટલ ઉદ્યોગ, કોર્પોરેટ કેન્ટીન, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ એકમોને ૧૦% મર્યાદામાં રિફિલ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત, ૧ વર્ષથી કાર્યરત હોય તેવી ધાર્મિક સંસ્થાઓ, રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમો અને અંધજન મંડળો જેવી સામાજિક સંસ્થાઓને પણ અગ્રતાના ધોરણે જથ્થો ફાળવવાની સૂચના અપાઈ છે.
કેરોસીન વિતરણ અને કડક મોનીટરીંગ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ફાળવવામાં આવેલા ૧૪૫૨ કિલો લીટર (KL) કેરોસીન પૈકી દરેક જિલ્લાને ૩૬ હજાર લીટરનો જથ્થો મોકલી દેવામાં આવ્યો છે. આ જથ્થામાંથી ગ્રામ્ય સ્તરે પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્થાઓને ૨૫ લીટર સુધીની ફાળવણી કરવામાં આવી રહી છે. ગેસ એજન્સીઓ પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે મહેસૂલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો તૈનાત કરવામાં આવી છે. ૫ માર્ચ ૨૦૨૬ થી અત્યાર સુધીમાં જિલ્લા કક્ષાએ ૯૧૨ અને રાજ્ય કક્ષાએ ૧૭ જેટલી સઘન તપાસો હાથ ધરીને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવવામાં આવી છે.
ગ્રાહકો માટે મહત્વની સૂચના અને હેલ્પલાઇન
પીએનજી કનેક્શન ધરાવતા તમામ ગ્રાહકોએ આગામી બુધવાર સુધીમાં ફરજિયાતપણે પોતાના એલપીજી જોડાણો સરેન્ડર કરવા પડશે. સરકારના નિયમ મુજબ એક જ પરિસરમાં બંને કનેક્શન રાખી શકાશે નહીં. વધુમાં, ૧૫ માર્ચના રોજ 'વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ' નિમિત્તે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ગ્રાહક જાગૃતિનો સંદેશ આપતા જણાવ્યું કે, "સુરક્ષિત ઉત્પાદનો અને આત્મવિશ્વાસુ ગ્રાહક" એ જ સમૃદ્ધ બજારનો પાયો છે. ગ્રાહકો પોતાની કોઈપણ મુશ્કેલી કે ફરિયાદ માટે રાજ્ય હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ પર સંપર્ક કરી શકે છે.

(12:11 PM IST)