તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Sunday, 15th March 2026
સુરત ફરી લોહીથી ખરડાયું: ડિંડોલીમાં જાહેરમાં યુવકની ઘાતકી હત્યા, ક્રિષ્ના એસી મોલ બહાર ખૂની ખેલ ખેલાતા સનસનાટી
ભરબજારે આશિષસીંગ રાજપૂત પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો: હત્યારાઓ યુવકનો જીવ લઈને ફરાર, સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો

સુરત: સુરત શહેર ફરી એકવાર ગુનાખોરીના ભરડામાં આવી ગયું હોય તેમ ડિંડોલી વિસ્તારમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનાએ સમગ્ર શહેરમાં દહેશત ફેલાવી દીધી છે. ડિંડોલી સ્થિત ક્રિષ્ના એસી મોલની બહાર આશિષસીંગ રાજપૂત નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાને પગલે ડિંડોલીના મુખ્ય માર્ગો પર ભયનો માહોલ છવાઈ ગયો હતો.
હત્યાની આ ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના લોકોને સંભાળવાનો મોકો પણ ન મળ્યો. હુમલાખોરોએ આશિષસીંગને આડેધડ ઘા મારીને લોહીલુહાણ કરી દીધો હતો, જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આશિષને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ હત્યા પાછળ જૂની અદાવત છે કે અન્ય કોઈ ગંભીર કારણ, તે બાબતે અત્યારે અનેક તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડિંડોલી પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી હુમલાખોરોના ચહેરા ઓળખી શકાય અને તેઓ કઈ દિશામાં ફરાર થયા છે તે જાણી શકાય. આ હત્યાએ સુરત શહેરની પબ્લિક પ્લેસ પરની સુરક્ષા વ્યવસ્થા પર સીધા સવાલો ઉભા કર્યા છે. શું પોલીસનું પેટ્રોલિંગ નબળું પડ્યું છે? તેવો પ્રશ્ન અત્યારે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
હત્યાનો ગુનો નોંધીને પોલીસે હત્યારાઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. ગુનેગારોની ધરપકડ કરવા માટે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. આ ઘટના પાછળના મુખ્ય સુત્રધાર કોણ છે અને આ હત્યા પાછળનું પાછળનું ચોક્કસ કારણ શું છે, તે તપાસના અંતે જ સ્પષ્ટ થશે. ડિંડોલી પોલીસ આ મામલે કોઈ પણ કચાશ છોડવા માંગતી નથી અને ટૂંક સમયમાં જ તમામ હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની હૈયાધારણા આપી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
