<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

વડોદરામાં રક્તપાતનો સિલસિલો અકબંધ: 24 કલાકમાં બીજી હત્યાથી શહેર હચમચી ગયું, સુંદરપુરામાં સામાન્ય બોલાચાલીમાં કરિયાણાના વેપારીએ વાળંદની અસ્ત્રાના ઘા ઝીંકી કરી નાખી હત્યા

કાયદો અને વ્યવસ્થાના ધજાગરા: પોલીસના સઘન પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે ગુનેગારો બેખૌફ; સયાજી હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવકે તોડ્યો દમ, હત્યારો ઘટનાસ્થળેથી ફરાર

વડોદરા: સાંસ્કૃતિક નગરી ગણાતા વડોદરામાં છેલ્લા 24 કલાકમાં બનેલી બીજી હત્યાની ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે. સુંદરપુરા પાટિયા વિસ્તારમાં આવેલી ઓરનેટ વિલા સોસાયટી પાસે એક કરુણ અને લોહીયાળ ઘટના બની હતી. મૂળ ભરૂચના માતર ગામના વતની અને અહીં હેર સ્ટુડિયો ચલાવતા 36 વર્ષીય મિતેશકુમાર વાળંદની બાજુમાં જ કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈ સાથે કોઈ નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરાર એટલી હદે વણસી ગઈ કે કરિયાણાના વેપારી કિરણભાઈએ આવેશમાં આવીને પોતાની દુકાનમાં રહેલા ધારદાર અસ્ત્રા વડે મિતેશકુમારના ગળા અને મોઢાના ભાગે ઘા ઝીંકી દીધા હતા.

લોહીલુહાણ હાલતમાં મિતેશકુમાર જમીન પર ઢળી પડ્યા હતા, જેના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા મિતેશકુમારને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (SSG) ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ સામાન્ય બોલાચાલી હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આટલી ક્રૂરતાથી હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયેલો છે.

ઘટના બાદ હત્યારો કિરણભાઈ ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કપુરાઈ પોલીસ ઉપરાંત PCB અને DCBની અલગ-અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે. શહેરના પોલીસ કમિશનરના દાવાઓ વચ્ચે સતત 24 કલાકમાં બે હત્યાઓ થતા પોલીસની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને આસપાસના સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આરોપી જેલના સળિયા પાછળ હશે તેવી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

(11:39 PM IST)