<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સુરત સિવિલમાં પ્રણય ત્રિકોણનો હાઈવોલ્ટેજ ડ્રામા: એક જ 'સાહેબ' માટે બે મહિલા કર્મચારીઓ વચ્ચે જામ્યો જંગ, ટ્રોમા સેન્ટરમાં જ ચોટલા પકડીને એકબીજાને પછાડી!

દર્દીઓના બદલે પ્રેમનો 'ટ્રોમા': કોન્ટ્રાક્ટર પ્રેમીનો કોલ વેટિંગમાં આવતા ભાંડો ફૂટ્યો; હોસ્પિટલના પેસેજમાં જ મહિલાઓએ મર્યાદા નેવે મૂકી લાઈવ તમાશો કર્યો, સિક્યુરિટીએ મહામુસીબતે છોડાવ્યા.

સુરત: સુરતની સિવિલ હોસ્પિટલ, જે સામાન્ય રીતે દર્દીઓની કીકિયારીઓ અને એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજતી હોય છે, ત્યાં ગઈકાલે એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પેસેજમાં જ વર્ગ-૪ની બે મહિલા કર્મચારીઓ વચ્ચે 'પ્રેમ' માટે એવો તે સંગ્રામ જામ્યો કે જોનારા સ્તબ્ધ થઈ ગયા હતા. એક જ કોન્ટ્રાક્ટરના પ્રેમમાં ગળાડૂબ આ બંને મહિલાઓએ હોસ્પિટલની લોબીને રણમેદાન બનાવી દીધું હતું.
આ ફિલ્મી ડ્રામાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક મહિલા કર્મચારી ટ્રોમા સેન્ટર પાસે પોતાના ખાસ મિત્ર સાથે ફોન પર વાત કરવામાં મશગૂલ હતી. તે જ સમયે ત્યાંથી પસાર થતી તેની સાથી મહિલા કર્મચારીને શંકા ગઈ. શંકાની ખાતરી કરવા તેણે પણ એ જ યુવકને ફોન જોડ્યો, અને જેવો ફોન 'વેઈટિંગ'માં આવ્યો કે તરત જ રહસ્ય પરથી પરદો ઊંચકાયો.
 
મોબાઈલ ઝૂંટવ્યો અને સિક્રેટ ખૂલ્યું
પોતાની શંકા પાકી થતા જ બીજી મહિલાએ પહેલી મહિલાના હાથમાંથી ઝાપટ મારીને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. કોલ લોગ ચેક કરતા જ સ્પષ્ટ થઈ ગયું કે બંને એક જ વ્યક્તિ સાથે પ્રેમની વાતો કરી રહી હતી. બસ, પછી તો પૂછવું જ શું? બંને મહિલાઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને જોતજોતામાં વાત હાથાપાઈ પર આવી ગઈ. બંનેએ એકબીજાના ચોટલા પકડી લીધા અને હોસ્પિટલની લોબીમાં જ એકબીજાને પછાડી હતી.
 
ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ જોતા રહી ગયા
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચર્ચાતી વાતો મુજબ, આ પ્રણય ત્રિકોણનો 'હીરો' એક કોન્ટ્રાક્ટર છે. હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવારમાં વ્યસ્ત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ આ 'લાઈવ તમાશો' જોઈને થોડીવાર માટે અવાચક બની ગયા હતા. અંતે, સિક્યુરિટી ગાર્ડ્સ અને અન્ય કર્મચારીઓએ વચ્ચે પડીને બંનેને મહામુસીબતે અલગ કર્યા હતા.
આ ઘટના અત્યારે આખી સિવિલ હોસ્પિટલમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. જે જગ્યાએ લોકો જીવન-મરણના જંગ લડવા આવે છે, ત્યાં પ્રેમ માટે થયેલી આ લડાઈએ અનેક ચર્ચાઓ જગાડી છે.

(9:40 PM IST)