<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સુરતની અદાલતમાં સમાધાનના બદલે 'સંગ્રામ': મીડિએશન સેન્ટરમાં પત્નીએ પતિને મુક્કો મારી લોહીલુહાણ કર્યો, ફિલ્મી દ્રશ્યો સર્જાયા!

કોર્ટમાં હંગામો: આર્થિક વિવાદમાં પત્નીનો પિત્તો ગયો અને પતિના મોઢા પર ઝીંકી દીધો મુક્કો; પોલીસ બોલાવવાની નોબત આવી પણ અંતે દંપતીએ લીધો ચોંકાવનારો નિર્ણય.

સુરત : સુરતના મીડિએશન સેન્ટરમાં આજે એક એવી ઘટના બની જેણે વકીલો અને કોર્ટમાં આવેલા અન્ય લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. ડીંડોલી વિસ્તારના એક દંપતી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સમાધાન માટે બોલાવવામાં આવેલી બેઠક રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. લોકઅદાલતમાં મામલો પતાવવા માટે જ્યારે બંને પક્ષો ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલી પત્નીએ ભરી અદાલતમાં પતિના મોઢા પર જોરદાર મુક્કો મારી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
આ દંપતી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો અને પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. વકીલો અને સમાજ અગ્રણીઓના પ્રયાસોથી મામલો સમાધાન તરફ જઈ રહ્યો હતો, પરંતુ આર્થિક વ્યવહારની શરતોએ વાતાવરણમાં આગ લગાવી દીધી હતી.
 
મુક્કાબાજી અને હાથાપાઈથી ગુંજી ઉઠી કોર્ટ
સમાધાનની વાતચીત દરમિયાન આર્થિક લેવડદેવડના મુદ્દે બોલાચાલી એટલી વધી ગઈ કે પત્નીએ કઈ પણ વિચાર્યા વગર પતિ પર હુમલો કરી દીધો. પતિને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા લોહી નીકળવા માંડ્યું હતું, જેના જવાબમાં પતિએ પણ સામી હાથાપાઈ કરતા સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. થોડીવાર માટે તો એવું લાગ્યું કે કોર્ટ પરિસરમાં જ મોટી પોલીસ ફરિયાદ નોંધાશે.
 
અંતે 'સમજદારી'થી લીધો આ નિર્ણય
જોકે, આ સમગ્ર હંગામા બાદ મીડિએટરે (મધ્યસ્થી) અત્યંત કુનેહપૂર્વક સ્થિતિ સંભાળી લીધી હતી. તેમણે બંને પક્ષોને શાંત પાડીને સમજાવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, ઉગ્ર મારામારી બાદ દંપતીને જ્ઞાન લાધ્યું હોય તેમ તેમણે જૂના તમામ વિવાદો અને તાજેતરની મારામારીને ભૂલી જવાનું નક્કી કર્યું. લાંબી ચર્ચાના અંતે, દંપતીએ હવે સાથે રહેવાને બદલે પરસ્પર સંમતિથી અને સમજદારીથી કાયમ માટે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.
આમ, જે કેસમાં લોહી વહ્યું હતું, તેનો અંત મીડિએશન સેન્ટરમાં કાયદેસર રીતે અલગ પડવાના નિર્ણય સાથે આવ્યો હતો.

(9:39 PM IST)