તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ઉત્તર ગુજરાતમાં સામાજિક તણાવ: "કિંજલ પાછી આવી, તો હવે અમારી દીકરીને પરત આપો", બનાસકાંઠાના ચૌધરી પરિવારે રબારી સમાજ સામે કરી કરુણ અપીલ!
કિંજલ રબારીના કેસ બાદ નવો વળાંક: રૂની ગામના પિતાનો ભાવુક વીડિયો વાયરલ, આગેવાન ઠાકરશી રબારીને મધ્યસ્થી કરવા આજીજી; સોશિયલ મીડિયા પર જંગ જામ્યો.

ભાભર (બનાસકાંઠા): ઉત્તર ગુજરાતના સામાજિક તાણાવાણામાં અત્યારે એક નવો ગંભીર વળાંક આવ્યો છે. કિંજલ રબારીના હાઈપ્રોફાઈલ કેસની માંડ શાંતિ થઈ ત્યાં હવે બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામના એક ચૌધરી પરિવારે પોતાની દીકરીને પરત મેળવવા માટે રણશિંગુ ફૂંક્યું છે. આ પરિવારે અત્યંત ભાવુક થઈને અપીલ કરી છે કે જો કિંજલ રબારીને પૂરા માન-સન્માન સાથે પરિવારને સોંપવામાં આવી હોય, તો તેમની દીકરીને પણ હેમખેમ પરત કરવામાં આવે.
માતા-પિતાની આંખોમાં આંસુ અને સમાજને સવાલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પીડિત પિતાએ રબારી સમાજ અને તેના આગેવાનોને સંબોધતા કહ્યું છે કે, "ચૌધરી સમાજે મોટું મન રાખીને કિંજલને તેના પરિવાર સુધી પહોંચાડી છે, તો હવે રબારી સમાજે પણ સામાજિક ન્યાયના ભાગરૂપે અમારી દીકરીને પરત કરવી જોઈએ." પરિવારે આક્ષેપ કર્યો છે કે કાંકરેજના ઉણ ગામનો એક રબારી યુવક તેમની દીકરીને ભગાડી ગયો છે, જે અંગે પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે.
ઠાકરશી રબારીની મધ્યસ્થીની માંગ
આ મામલો વધુ વણસે નહીં તે માટે ચૌધરી પરિવારે રબારી સમાજના મજબૂત અને લોકપ્રિય આગેવાન ઠાકરશી રબારીને મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. પરિવારે આજીજી કરી છે કે ઠાકરશીભાઈ આ કેસમાં દખલગીરી કરે અને દીકરીને સલામત રીતે ઘરે પરત લાવવામાં મદદરૂપ થાય. આ ઘટનાને પગલે ઉત્તર ગુજરાતમાં સામાજિક અને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
સામાજિક સંવાદિતા જોખમાશે?
અગાઉ કિંજલ રબારીના કિસ્સામાં જે પ્રકારનો વિવાદ અને તણાવ જોવા મળ્યો હતો, તેને જોતા પોલીસ અને વહીવટી તંત્ર પણ હવે એલર્ટ મોડ પર છે. બંને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ મામલાનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો ઉત્તર ગુજરાતના શાંત વાતાવરણમાં સામાજિક તણાવ વધવાની પૂરેપૂરી આશંકા છે. આ કેસ હવે માત્ર બે વ્યક્તિઓના પ્રેમલગ્નનો નથી રહ્યો, પણ બે મોટા સમાજો વચ્ચેની પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
