તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી! 18 થી 20 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો થશે; સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 'પ્રી-મોન્સૂન એક્ટિવિટી'નો ધમધમાટ શરૂ થશે.

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ભઠ્ઠીની જેમ શેકાતા નાગરિકો માટે હવામાન વિભાગે એકસાથે રાહત અને ચિંતાના સમાચાર આપ્યા છે. એક તરફ ગરમીનો પારો ગગડવાની તૈયારીમાં છે, તો બીજી તરફ ભરમાર્ચ મહિને રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?
• ૧૮ માર્ચ: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં ૩૦-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
• ૧૯ માર્ચ: આ દિવસે વરસાદનો વ્યાપ વધશે. રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત સુરત, તાપી, નર્મદા અને વડોદરા જેવા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘગર્જના સાથે વરસાદની આગાહી છે.
• ૨૦ માર્ચ: ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પવન સાથે હળવા ઝાપટાં પડવાની શક્યતા છે.
ગરમીમાં રાહત, પણ ખેતીમાં નુકસાનની ભીતિ
હવામાનમાં આવનારા આ પલટાને કારણે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે કાળઝાળ ગરમીથી લોકોને થોડા દિવસ માટે છૂટકારો અપાવશે. જોકે, બીજી તરફ ખેડૂતો માટે આ માવઠું 'આફત' બનીને આવી શકે છે. ખેતરમાં ઉભેલા રવિ પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા તમામ એપીએમસી (APMC) ને સૂચના આપવામાં આવી છે કે ખુલ્લામાં પડેલા અનાજના જથ્થાને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન વેઠવું પડે.
ત્યારે આગામી સપ્તાહમાં જો તમે બહાર ફરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો સાથે છત્રી કે રેઈનકોટ રાખવાનું ભૂલશો નહીં, કારણ કે ગુજરાતનું હવામાન ગમે ત્યારે પલટો મારી શકે છે!
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
