તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ગ્રાહક સાવધાન, તમે જ છો બજારના રાજા! આવતીકાલે 'વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ', ગુજરાતમાં એક જ વર્ષમાં ૧૪,૫૦૦થી વધુ પ્રશ્નોનો લવાયો ઉકેલ
"સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્સ્યુમર્સ"ની થીમ સાથે થશે ઉજવણી; છેતરાયા હોવ તો ગભરાશો નહીં, ૧૪૪૩૭ હેલ્પલાઇન પર ૨૨,૭૦૦થી વધુ લોકોએ મેળવ્યું માર્ગદર્શન.

ગાંધીનગર: શું તમે ક્યારેય ઓનલાઇન શોપિંગમાં છેતરાયા છો? અથવા કોઈ દુકાનદારે તમને ખરાબ વસ્તુ પધરાવી દીધી છે? જો હા, તો આવતીકાલનો દિવસ તમારા માટે ખાસ છે. દર વર્ષે ૧૫ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૬માં આ દિવસની થીમ “સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્સ્યુમર્સ” એટલે કે સુરક્ષિત ઉત્પાદનો અને નિશ્ચિંત ગ્રાહકો રાખવામાં આવી છે. જેનો હેતુ બજારમાં વેચાતી જોખમી વસ્તુઓ સામે ગ્રાહકોને રક્ષણ આપવાનો છે.
ગુજરાત સરકાર ગ્રાહકોના હિત માટે મેદાને પડી છે. વર્ષ ૨૦૨૫ના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્ય અને જિલ્લા ગ્રાહક કમિશન દ્વારા અત્યંત ઝડપી કામગીરી કરીને કુલ ૧૪,૫૯૦ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, લોક અદાલતો દ્વારા પણ ગ્રાહકોના ૪.૩૪ કરોડ રૂપિયાથી વધુનું વળતર અપાવીને પરસ્પર સમાધાન કરવામાં આવ્યું છે. આ આંકડાઓ સાબિત કરે છે કે જો ગ્રાહક જાગૃત હોય તો તેને ન્યાય ચોક્કસ મળે છે.
હેલ્પલાઇન નંબર ૧૪૪૩૭: તમારી સુરક્ષાનું કવચ
જો તમને કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ બાબતે ફરિયાદ હોય, તો રાજ્ય સરકારે ઓક્ટોબર ૨૦૨૪થી એક ખાસ હેલ્પલાઇન નંબર ૧૪૪૩૭ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં ૨૨,૭૦૦થી વધુ ગ્રાહકોએ આ નંબર પર કોલ કરીને માર્ગદર્શન મેળવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના ઈ-જાગૃતિ પોર્ટલ અને ૧૯૧૫ હેલ્પલાઇન દ્વારા પણ ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
યુવાનોને જાગૃત કરવા ૨,૫૦૦ કન્ઝ્યુમર્સ ક્લબ
રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની ચળવળ વધુ મજબૂત બને તે માટે સરકાર શાળાઓ અને કોલેજોમાં ૨,૫૦૦ જેટલા કન્ઝ્યુમર્સ ક્લબ ચલાવી રહી છે. આ માટે સરકાર વાર્ષિક ૧.૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, જેથી આવતીકાલનું યુવાધન એક જાગૃત ગ્રાહક બની શકે. તો આ ગ્રાહક અધિકાર દિવસે સંકલ્પ કરીએ કે, આપણે હંમેશા પાકું બિલ માંગીશું અને અસુરક્ષિત પ્રોડક્ટ્સ સામે અવાજ ઉઠાવીશું.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
