તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું નવું અભિયાન: રાજ્યના ૫૦૦ ગામોને ‘પ્રાકૃતિક કૃષિ ગ્રામ’ તરીકે વિકસાવવાની ઐતિહાસિક જાહેરાત
ક્લસ્ટર બેઝ્ડ અભિગમ દ્વારા ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને ટેકનિકલ સહાય સાથે સીધા બજાર સાથે સાંકળવામાં આવશે; ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ અપાવવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો નિર્ધાર

ગાંધીનગર:ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હવે 'ક્લસ્ટર બેઝ્ડ' અભિગમ અપનાવીને પ્રાકૃતિક ખેતીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સજ્જ થઈ છે.
૫૦૦ ગામોની પસંદગી અને સંપૂર્ણ પરિવર્તન
કૃષિ મંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યાં પ્રાકૃતિક ખેતીની મહત્તમ શક્યતાઓ અને અનુકૂળતા છે, તેવા ૫૦૦ ગામોની વિશેષ પસંદગી કરવામાં આવશે. આ ગામોને 'પ્રાકૃતિક કૃષિ ગ્રામ' તરીકે ઓળખવામાં આવશે અને તેના મોટા ભાગના કૃષિ વિસ્તારને તબક્કાવાર રીતે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવાનું લક્ષ્ય છે. આ ગામોના ખેડૂતોને માત્ર સલાહ જ નહીં, પરંતુ પાયાના સ્તરે જરૂરી તાલીમ, માર્ગદર્શન અને ટેકનિકલ સહાય પણ પૂરી પાડવામાં આવશે.
સર્ટિફિકેશન અને બજાર વ્યવસ્થા
ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે તે માટે સરકાર દ્વારા સર્ટિફિકેશનની પ્રક્રિયાને અત્યંત સરળ અને સુલભ બનાવવામાં આવશે. રસાયણમુક્ત અને શુદ્ધ ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહે તે માટે આ ક્લસ્ટરોને સીધા જ બજાર સાથે જોડવામાં આવશે. જેના કારણે ખેડૂતોએ મધ્યસ્થીઓ પર નિર્ભર રહેવું પડશે નહીં.
સામૂહિક ખેતીથી ખર્ચમાં ઘટાડો
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે ખેડૂતો વ્યક્તિગત રીતે ખેતી કરવાને બદલે 'ક્લસ્ટર' એટલે કે જૂથમાં પ્રાકૃતિક ખેતી અપનાવશે, ત્યારે પરિવહન, પેકેજિંગ અને વેચાણના ખર્ચમાં ધરખમ ઘટાડો થશે. સામૂહિક શક્તિના કારણે ખેડૂતો બજારમાં વધુ સારી રીતે સોદાબાજી કરી શકશે અને વધુ નફો મેળવી શકશે.
આ નિર્ણયથી ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ટકાઉ અને ઝેરમુક્ત ખેતીનો નવો અધ્યાય શરૂ થશે. તેનાથી ન માત્ર ખેડૂતોની આવક વધશે, પરંતુ પર્યાવરણની જાળવણી સાથે રાજ્યની જનતાને શુદ્ધ અને પૌષ્ટિક આહાર પણ ઉપલબ્ધ થશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
