News of Saturday, 14th March 2026
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસ: વલસાડ રેલવે સ્ટેશને કાર્યકરો દ્વારા ભવ્ય અને ઉષ્માસભર સ્વાગત
વંદે ભારત એક્સપ્રેસ મારફત ગાંધીનગરથી વલસાડ પંહોચેલા પ્રદેશ અધ્યક્ષે ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે યોજી બેઠક; સંગઠનલક્ષી માર્ગદર્શન આપી જનસેવાના કાર્યો વેગવંતા બનાવવા આહવાન કર્યું

વલસાડ: ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રવાસના ભાગરૂપે ગઈકાલે તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફત વલસાડ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પ્રદેશ અધ્યક્ષના આગમનને વધાવવા માટે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં સ્ટેશન પર ઉમટી પડ્યા હતા અને ફૂલહાર તેમજ સૂત્રોચ્ચાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંગઠનાત્મક બેઠક અને કાર્યકરો સાથે સંવાદ
૧૩ માર્ચની મોડી સાંજે વલસાડ પંહોચેલા જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રવાસના પ્રથમ દિવસે જ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની સંગઠનાત્મક બેઠક યોજી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લાના વિવિધ વિસ્તારના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનને પાયાના સ્તર સુધી વિસ્તૃત કરવા અને આગામી સમયના લક્ષ્યાંકો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
જનસેવાના કાર્યો ગતિશીલ બનાવવાનો સંકલ્પ
પ્રદેશ અધ્યક્ષે જિલ્લા મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, મંડલ પ્રમુખો અને પ્રભારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે સંગઠન સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે, સંગઠન શક્તિના જોરે જ લોકકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય છે. આ બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મજબૂત સંગઠન શક્તિ સાથે જનસેવાના કાર્યોને વધુ ગતિશીલ અને વેગવંતા બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, પ્રદેશ અધ્યક્ષનો આ પ્રવાસ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે. વલસાડ જિલ્લામાં યોજાયેલી આ બેઠકથી સ્થાનિક સ્તરે કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. આ પ્રવાસના માધ્યમથી રાજ્યના છેવાડાના જિલ્લાઓમાં સંગઠનાત્મક માળખાની સમીક્ષા કરી તેને વધુ સજ્જ કરવામાં આવી રહ્યું છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
