<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ગુજરાત ગેસ દ્વારા ઇન્‍ડસ્‍ટ્રીયલ ગ્રાહકોના ગેસ સપ્‍લાયમાં ૨૦%નો મોટો કાપ : મધ્‍ય પૂર્વના યુદ્ધની સીધી અસર

નવા નિયમો મુજબ હવે 'પૂલ્‍ડ પ્રાઈસ મેકેનિઝમ' દ્વારા ગેસના ભાવ નક્કી કરવામાં આવશે નેચરલ ગેસ રેગ્‍યુલેશન ઓર્ડર ૨૦૨૬ અંતર્ગત નવા નિયમો લાગુ; ઉદ્યોગોએ છેલ્‍લા ૬ મહિનાના સરેરાશ વપરાશના માત્ર ૮૦% જ ગેસ વાપરવા આદેશ

રાજકોટ, તા.૧૪:  મધ્‍ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે એલ.એન.જી. (લિક્‍વિડ નેચરલ ગેસ) ના પરિવહનમાં સર્જાયેલા વિક્ષેપને પગલે હવે સ્‍થાનિક ઉદ્યોગો પર ગેસ સંકટના વાદળો છવાયા છે. ગુજરાત ગેસ લિમિટેડ (જી.જી.એલ.) દ્વારા રાજ્‍યના ઇન્‍ડસ્‍ટ્રીયલ ગ્રાહકોને એક મહત્‍વનો પત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે કે ગેસના જથ્‍થામાં મોટો ઘટાડો કરવામાં આવ્‍યો છે.

૮૦ ટકા મર્યાદામાં જ ગેસ વાપરી શકાશે

ભારત સરકારના મિનિસ્‍ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્‍ડ નેચરલ ગેસ (એમ.ઓ.પી.એન.જી.) દ્વારા ૯ માર્ચ, ૨૦૨૬ના રોજ 'નેચરલ ગેસ (સપ્‍લાય રેગ્‍યુલેશન) ઓર્ડર, ૨૦૨૬' બહાર પાડવામાં આવ્‍યો છે. આ ઓર્ડર હેઠળ એસેન્‍શિયલ કોમોડિટીઝ એક્‍ટ, ૧૯૫૫ની સત્તાનો ઉપયોગ કરીને ગેસના વિતરણમાં ફેરફાર કરાયા છે. નવા નિયમ મુજબ, સી.જી.ડી. સેક્‍ટરમાં આવતા પ્રાયોરિટી સેક્‍ટર-૪ ના ઇન્‍ડસ્‍ટ્રીયલ ગ્રાહકોને હવે તેમના છેલ્‍લા છ મહિનાના સરેરાશ વપરાશના માત્ર ૮૦ ટકા ગેસ જ પૂરો પાડવામાં આવશે.

વધારે વપરાશ પર

કડક કાર્યવાહી

ગુજરાત ગેસ લિમિટેડના એસ.વી.પી.-સી.એન્‍ડ.એમ., આઈ.ટી. એન્‍ડ ઈ.આર.પી. દિપેન ચૌહાણ દ્વારા સહી કરાયેલા આ પરિપત્રમાં સ્‍પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ એકમ નક્કી કરેલી ૮૦ ટકાની મર્યાદાથી વધુ ગેસનો વપરાશ કરશે, તો તેને નિયમોનું ઉલ્‍લંઘન ગણવામાં આવશે. આવા કિસ્‍સામાં ગુજરાત ગેસ લિમિટેડ કોઈપણ નોટિસ વગર ગેસ કનેક્‍શન કાપી શકે છે અને માર્કેટની સ્‍થિતિ મુજબ પેનલ્‍ટી (વધારાનો ચાર્જ) પણ વસૂલશે.

ભાવમાં પણ થશે ફેરફાર

નવા નિયમો મુજબ હવે 'પૂલ્‍ડ પ્રાઈસ મેકેનિઝમ' દ્વારા ગેસના ભાવ નક્કી કરવામાં આવશે, જેની જાણકારી પેટ્રોલિયમ પ્‍લાનિગ એન્‍ડ એનાલિસિસ સેલ (પી.પી.એ.સી.) દ્વારા આપવામાં આવશે. આ નવા ભાવ ૯ માર્ચ, ૨૦૨૬થી લાગુ થયેલા ગણાશે. કંપનીએ સ્‍પષ્ટ કર્યું છે કે આ ફોર્સ મેજ્‍યુર (કુદરતી કે અનિવાર્ય સંજોગો) જેવી સ્‍થિતિ હોવાથી સપ્‍લાયમાં થતા ઘટાડા માટે કંપની જવાબદાર રહેશે નહીં અને ગ્રાહકો આ બાબતે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકશે નહીં.

આમ, યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક અછતને પગલે હવે ગુજરાતના ઉદ્યોગપતિઓએ પોતાના ઉત્‍પાદન અને ગેસના વપરાશમાં કાપ મૂકવો પડશે.

(4:03 PM IST)