<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

શિક્ષણમાં સામાજિક ક્રાંતિ: શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા ₹૨.૫૦થી વધારી ₹૬ લાખ કરાઈ:વિદેશ અભ્યાસના સપનાને મળશે પાંખો, ₹૧૫ લાખની લોન: બજેટમાં ₹૧૩૫ કરોડની માતબર જોગવાઈ : છાત્રાલયોમાં સુવિધાનો સૂર્યોદય: માસિક નિભાવ ગ્રાન્ટ ₹૨૧૬૦ થી વધારી ₹૨૫૦૦ કરાઈ : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા : સામાજિક ન્યાય અને સશક્તીકરણ માટે ₹૧૫,૨૫૪ કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભામાં પસાર

'કુંવરબાઈનું મામેરું' યોજનામાં ₹૧૨,૦૦૦ની સહાય અને આવાસ યોજનાઓ માટે ₹૩૭૫ કરોડની ફાળવણી : વ્યાજદરમાં ધરખમ રાહત: કન્યાઓ માટે શૈક્ષણિક લોન માત્ર ૩.૫ ટકા અને સ્વરોજગાર માટે ૪ ટકા વ્યાજદર, દાખલા સીધા વ્હોટ્સએપ પર મળશે : અંત્યોદયનો સંકલ્પ: છેવાડાના માનવી માટે આવાસ અને દિવ્યાંગો માટે 'જોયસ્ટિક વ્હીલચેર'ની ભેટ : નશામુક્તિના નિર્ધાર સાથે વડોદરામાં 'સંકલ્પભૂમિ' અને ૩૪ જિલ્લાઓમાં નવા કેન્દ્રો: ‘સહાયથી સશક્તીકરણ અને સશક્તીકરણથી સમાનતા’ના મંત્રને સાર્થક કરતું બજેટ

અમદાવાદ તા.૧૪ : વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિશે વાત કરતાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે ‘સહાયથી સશક્તીકરણ અને સશક્તીકરણથી સમાનતા’ના મંત્ર સાથે રાજ્ય સરકાર કાર્યરત છે. આ માટે રાજ્યના અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને દિવ્યાંગોના સર્વાંગી ઉત્કર્ષ માટે અંગાજપત્રમાં કુલ ₹૧૫,૨૫૪.૪૭ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.

 

ડૉ.બાબાસાહેબ આંબેડકરે કહ્યું છે કે શિક્ષણ એ કોઈ પણ સમાજના વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી આ સરકાર રાજ્યના છેવાડાના માનવીને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે પગભર કરવા માટે કટિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

આ માટે બજેટમાં શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણ માટે ₹૬૬૩.૮૦ કરોડ, વિકસતી જાતિ કલ્યાણ માટે અંદાજે ₹૧૬૫૪.૩૩ કરોડ મળી કુલ ₹૨૩૧૮.૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

જ્યારે આર્થિક ઉત્કર્ષ, આરોગ્‍ય, વસવાટ અને અન્‍ય સામાજિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની ₹૩૮૦.૨૭ કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની ₹૩૪૯.૦૦ કરોડની મળી કુલ ₹૭૨૯.૨૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

આ સિવાય, વિચરતી-વિમુક્ત જાતિઓ માટે ₹૧૭૦.૨૨ કરોડ, લઘુમતી વિકાસની વિવિધ યોજનાઓ માટે બજેટમાં ₹૫૬.૦૪ કરોડ અને બિનઅનામત વર્ગો માટે ₹૫૮૪.૨૮ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

 

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને છાત્રાલય સુવિધાઓમાં વધારો કરવા લેવાયેલા મહત્ત્વના નિર્ણયો વિશે વાત કરતાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ જણાવ્યું કે શિક્ષણને સામાજિક પરિવર્તનનું મુખ્ય શસ્ત્ર ગણાવીને વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

 

આ માટે રાજ્યમાં કાર્યરત ૧૨૮૯ ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને ૨૭૦ આશ્રમશાળાઓ દ્વારા હજારો બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની સુવિધા અપાઈ રહી છે. સરકારે આ સંસ્થાઓમાં રહેતાં વિદ્યાર્થીઓની માસિક નિભાવ ગ્રાન્ટમાં ₹૩૪૦નો વધારો કરી તેને ₹૨૫૦૦ કરી છે.

 

આ જ પ્રકારે, અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં આવક મર્યાદા ₹૨.૫૦ લાખથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત, વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને ₹૧૫ લાખ સુધીની લોન આપવા માટે ₹૧૩૫ કરોડની ફાળવણી કરાઈ છે.

 

તેમણે જણાવ્યું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હૂંફ આપવા માટે આવાસ યોજનાઓને પ્રાધાન્ય અપાયું છે. જે અંતર્ગત, પંડિત દીનદયાળ આવાસ યોજના (વિકસતી જાતિ) માટે ₹૨૬૫ કરોડ અને ડૉ. આંબેડકર આવાસ યોજના (અનુસૂચિત જાતિ) માટે ₹૧૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દીકરીઓને ₹૧૨,૦૦૦ની સહાય માટે ₹૧૦૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.

 

દિવ્યાંગો અને વૃદ્ધોની સંભાળ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને સુવિધાઓ વિશે ડૉ. વાજાએ કહ્યું કે તેઓ પણ 'અધિકારપાત્ર નાગરિક' જ છે એવું રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે. પરિણામે, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓ માટે રહેણાંક અને ડે-કેર સુવિધાઓ માટે ₹૫.૫૨ કરોડ ફાળવ્યા છે. 

 

જ્યારે દિવ્યાંગોને હરવા-ફરવામાં સરળતા રહે તે માટે ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેરની સુવિધા અને દિવ્યાંગતાની ટકાવારીમાં રાહત આપવાના નિર્ણયો લેવાયા છે. નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોના પેન્શન માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી છે.

      આ સિવાય, વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કરવામાં આવેલી નવી જોગવાઈઓ અને મહત્ત્વના પ્રસ્તાવો આ મુજબ છે.

 

 

 

         લોન વ્યાજદરમાં એકસૂત્રતા

 

 

 

 શૈક્ષણિક અને સ્વરોજગાર લોન માટે નવા વ્યાજદરો નક્કી કરાયા છે. શૈક્ષણિક લોનમાં કન્યાઓ માટે ૩.૫ ટકા અને કુમારો માટે ૪ ટકા, જ્યારે સ્વરોજગાર લોનમાં સ્ત્રીઓ માટે ૪ ટકા અને પુરુષો માટે ૫ ટકા વ્યાજદર રહેશે.તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતુ.

 

 

આવક મર્યાદામાં વધારો

 

 

 

 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા હવે ₹૬ લાખ સુધી કરવામાં આવી છે (જે માટે ₹૧૮ કરોડની નવી જોગવાઈ)

 

નિભાવ ગ્રાન્ટમાં વધારો

 

 

 ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓમાં પ્રતિ વિદ્યાર્થી માસિક ગ્રાન્ટ ₹૨૧૬૦ થી વધારીને ₹૨૫૦૦ કરવામાં આવી.

 

        નવા ભવનો અને છાત્રાલયો

 

 

 પાટણ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં ₹૮૫ કરોડના ખર્ચે સરકારી છાત્રાલયોનું બાંધકામ થશે. મોડાસા, ભુજ અને મુંદ્રામાં ₹૩૫ કરોડના ખર્ચે આદર્શ નિવાસી કન્યા શાળાઓ બનશે.તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતુ.

 

ડિજિટલ સેવાઓ

 

 

 હવે આવકના દાખલા ઓનલાઇન અરજી દ્વારા વ્હોટ્સએપ અને ડીજીલોકરમાં સીધા મેળવી શકાશે.

 

સંકલ્પભૂમિ સ્મારક

 

 

વડોદરા ખાતે ₹૨૮.૪૭ કરોડના ખર્ચે ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં 'સંકલ્પભૂમિ સ્મારક અને સંગ્રહાલય'નું નિર્માણ અંતિમ તબક્કામાં છે.

 

નશામુક્તિ કેન્દ્રો

 

 

 રાજ્યની ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં ૧૫ બેડની ક્ષમતા ધરાવતા ડી-એડિક્શન સેન્ટર સ્થાપવા ₹૧૪.૯૦ કરોડની જોગવાઈ.

 

તબીબી સહાયમાં વધારો

 

 

 

 વિવિધ રોગો માટે અપાતી તબીબી સહાયમાં ₹૧૨૦૦ થી ₹૨૦૦૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતુ.

 

 

પારદર્શિતા અને સુશાસન

 

 

'ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર' (DBT) ના માધ્યમથી વચેટિયાઓની નાબૂદી થઈ છે અને સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં પહોંચી રહી છે.

 

સામાજિક સમરસતા

 

રાજ્યમાં ૨૩ સમરસ છાત્રાલયો કાર્યરત છે અને નવાં ૨૫ છાત્રાલયો બનાવવાનું આયોજન છે, જ્યાં દરેક જાતિના વિદ્યાર્થીઓ સાથે રહીને શિક્ષણ મેળવશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રાજ્યમાં વસતાં દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન આપવાનો એક મજબૂત નિર્ધાર રજૂ છે.આમ, વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટેની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

 

(3:49 PM IST)