તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
જી.એચ.બી.ના લીઝ હોલ્ડર્સની સરકારને આખરી ચિમકીઃ હદ થઈ ગઈ... હવે પ્રશ્નો નહીં ઉકેલાય તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરાશે : અશોક કામદાર
ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ દ્વારા ગજબનાકની નીતિ : ફ્રી હોલ્ડના નામે લાખોની ઉઘાડી લૂંટ!

રાજકોટ : ગુજરાત હાઉસીંગ બોર્ડ (જી.એચ.બી.) ની ૪૦ થી ૫૫ વર્ષ જૂની એસ્ટેટોમાં રહેતા લીઝ હોલ્ડર્સ પ્રત્યે સરકારી અધિકારીઓની ભેદભાવભરી નીતિ અને ગેરકાયદેસર ફતવાઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ અને વોર્ડ નં. ૮ ના ભાજપના કાર્યકર તથા શક્તિ સંયોજક શ્રી અશોક જેંતીલાલ કામદારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક સણસણતો પત્ર લખીને અધિકારીઓની ગુંડાગીરી અને જબરન વસૂલીની પોલ ખોલી છે. જો સરકાર આ બાબતે યોગ્ય ન્યાય નહીં આપે તો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ટેનામેન્ટ હોલ્ડર્સ દ્વારા આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે તેવી ગંભીર ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સાથે જ ઓરમાયું વર્તન કેમ?
આવેદનપત્રમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૯ની પોલિસીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને જી.એચ.બી.ના નાયબ કમિશનર (વહીવટ) અમદાવાદ અને રાજકોટના કાર્યપાલક ઇજનેર દ્વારા ૨૦૨૧ માં એક ગેરકાયદેસર ફતવો બહાર પાડવામાં આવ્યો છે.
આ ફતવા મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના ટેનામેન્ટ ધારકોને જૂની જગ્યાએ નવું બાંધકામ કરવું હોય તો પ્રથમ લીઝવાળી જમીન ફરજિયાત 'ફ્રી હોલ્ડ' કરાવવી પડે છે. જ્યારે આર.ટી.આઈ. હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં સુરત, અમદાવાદ અને બરોડાના અધિકારીઓએ લેખિતમાં જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં આવો કોઈ જ કાયદો કે પત્ર ઇશ્યૂ કરાયો નથી. આમ, એક જ રાજ્યમાં બે અલગ અલગ નીતિઓ અપનાવીને ડબલ સ્ટાન્ડર્ડ ચલાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
૨૦૧૫ ના એસીબી ટ્રેપની અદાવત ?
આવેદનમાં એક ગંભીર આક્ષેપ કરતા જણાવાયું છે કે, ૨૦૧૫ માં રાજકોટની એમ.આઈ.જી. ૪૮ સ્કીમના એમ ૩૭, એમ ૩૮ અને એમ ૩૯ ના ૧૫૦૦ વારના પ્લોટ માટે એન.ઓ.સી. આપવા માટે એક એસ્ટેટ મેનેજરે ૨૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ બનાવનો ખાર રાખીને અધિકારીઓ સામ-દામ-દંડ-ભેદથી સૌરાષ્ટ્ર-કચ્છના જી.એચ.બી.ના રહીશોને કનડગત કરી રહ્યા છે.
બિલ્ડરોને મફતમાં જમીન, ગરીબોને ડામ
સરકાર દ્વારા જૂના બાંધકામની જગ્યાએ નવા ફલેટ બનાવવા (રિ-ડેવલપમેન્ટ) માટે બિલ્ડરોને જી.એચ.બી. ની જમીન જંત્રી વસૂલ્યા વગર જ મફતમાં પધરાવી દેવામાં આવે છે.
જેનાથી સરકારી તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન થાય છે. બીજી તરફ, એલ.આઈ.જી. અને એમ.આઈ.જી. ના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ફ્રી હોલ્ડના નામે લૂંટવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે કે એકવાર લીઝ ડીડ રજિસ્ટર્ડ થઈ જાય પછી કોઈ એક પક્ષકાર એકતરફી ફેરફાર કરી શકે નહીં, તેમ છતાં સ્થાનિક અધિકારીઓ સરમુખત્યારશાહી ચલાવી રહ્યા છે.
મુખ્યમંત્રી અને ધારાસભ્યોને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય
એસોસીએશન દ્વારા ૨૦૨૩ થી રાજકોટના ત્રણેય ધારાસભ્યોને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. એટલું જ નહીં, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સાથે મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત લઈને પણ પ્રશ્નોથી વાકેફ કરાયા હતા.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ બાબતે મૌખિક વચન આપ્યું હતું. આમ છતાં, જી.એચ.બી. અને શહેરી વિકાસ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ કોઈનું સાંભળતા નથી.
અંતમાં આ લેખિત પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ૪૦ થી ૫૫ વર્ષ જૂના જર્જરિત મકાનો જો ધરાશાયી થશે અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને મહાનગરપાલિકાની રહેશે.
આ પત્રની નકલ વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.), ચીફ સેક્રેટરી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પોલીસ કમિશનર, કલેક્ટર, ચીફ ટાઉન પ્લાનર સહિત તમામ સંબંધિત વિભાગોને મોકલી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
