તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ગુજરાત મેડિકલ કાઉન્સિલે નિયમોના ભંગ બદલ અમદાવાદ, રાજકોટ અને તાલાલાના ત્રણ તબીબોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા
ડૉ. ભાર્ગવ પટેલ, ડૉ. મનોજ સીડા અને ડૉ. અક્ષય હડીયલ સામે ખોટી ડિગ્રી, મેડિક્લેમ ફ્રોડ અને પ્રોટોકોલના ભંગ બદલ કાર્યવાહી

ગુજરાતમાં તબીબી ક્ષેત્રે નિયમોનું ઉલ્લંઘન કરનારા ડૉક્ટરો સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ત્રણ અલગ-અલગ જિલ્લાઓના ત્રણ તબીબોને વિવિધ ગેરરીતિઓ બદલ દોષિત ઠેરવી તેમના પ્રેક્ટિસ કરવાના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી મેડિકલ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી જાણકારી અનુસાર અમદાવાદ શહેરમાં વેલીસ હોસ્પિટલના સંચાલક ડૉ. ભાર્ગવ પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. ભાર્ગવ પટેલ પાસે MBBS ની સમકક્ષ વિદેશની ડિગ્રી હોવા છતાં, તેઓ MD તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. નિયમ મુજબ સ્પેશિયાલિટીની યોગ્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરવી એ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન ગણાય છે, જેના આધારે તેમનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.
રાજકોટની જાણીતી ગોકુલ હોસ્પિટલના ડૉ. મનોજ સીડા પણ મેડિકલ કાઉન્સિલની ઝપેટમાં આવ્યા છે. તેમની સામે આરોપ છે કે તેમણે મેડિક્લેમ મેળવવા માટે ખોટા મેડિકલ રેકોર્ડ્સ તૈયાર કર્યા હતા. નાણાકીય લાભ મેળવવા માટે તબીબી દસ્તાવેજોમાં છેડછાડ કરવી એ નૈતિકતાની વિરુદ્ધ હોવાનું જણાવી કાઉન્સિલે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.
ગીરસોમનાથ જિલ્લાના તાલાલા ખાતે પ્રેક્ટિસ કરતા ડૉ. અક્ષય હડીયલનું લાયસન્સ પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમની સામે ગંભીર લાપરવાહીનો આરોપ છે. ઓપરેશન કે સારવાર દરમિયાન એનેસ્થેટીકની ગેરહાજરીમાં તબીબી પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ કાઉન્સિલના મતે, નિષ્ણાતની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવી એ દર્દીના જીવને જોખમમાં મૂકવા સમાન છે
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
