તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ખેડૂતોના હિતમાં સિંચાઇ માટે મહત્વનો નિર્ણય : આગામી તા.૩૦ એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે પરંતુ આ વખતે ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી'તી

અમદાવાદ તા.૧૩ : રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે.
આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.
આ બાબતે ગત તા.૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી, તેમાં નક્કી થયા મુજબ ચાલુ વર્ષે રવિ સીઝન પાછળ લંબાયેલ હોવાથી પીવાના પાણી અને અન્ય આરક્ષણને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં રવિ સીઝન માટે આગામી તા.૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, મંત્રીશ્રી ઉમેર્યું હતું.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
