<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અમદાવાદના કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે ફલક અંતાણીના ચિત્રોનું પ્રદર્શન 'ચિત્રોક્તિ' યોજાશે : પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવો આપશે વિશેષ હાજરી

દૈવી નારી શક્તિના ગ્રેસ, સ્ટ્રેન્થ અને કોસ્મિક એનર્જીને કેન્દ્રમાં રાખી તૈયાર કરાયેલા પેઈન્ટિંગ્સના સોલો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન શુક્રવારે સાંજે કલાજગતના દિગ્ગજોના હસ્તે કરવામાં આવશે

અમદાવાદ: કલા પ્રેમીઓ માટે આગામી ૧૩ માર્ચથી ૧૫ માર્ચ દરમિયાન એક વિશેષ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામે આવેલા જાણીતા કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે ચિત્રકાર ફલક અંતાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા સોલો પેઈન્ટિંગ એક્ઝિબિશન 'ચિત્રોક્તિ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દૈવી નારી શક્તિ (ડિવાઈન ફેમિનાઈન) ના વિવિધ પાસાઓ જેવા કે લવચીકતા, શક્તિ, અંતર્જ્ઞાન અને બ્રહ્માંડની ઉર્જાને કેનવાસ પર કંડારવામાં આવી છે.

દિગ્ગજોના હસ્તે થશે ઉદ્ઘાટન:
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શુક્રવાર, ૧૩ માર્ચ ૨૦26 ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે કલા અને સાહિત્ય જગતના અગ્રણીઓના હસ્તે કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે એન.આઈ.ડી. (NID) ના વિઝિટિંગ ફેકલ્ટી અને સિનિયર આર્ટિસ્ટ વૃંદાવન સોલંકી, આર્ટ ગુરુ અને સી.વી.એમ. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના માનદ નિયામક કનુ પટેલ તેમજ લોકસાહિત્યના વિદ્વાન અને ગુજરાત સંગીત નાટક અકાદમીના પૂર્વ ચેરમેન યોગેશ ગઢવી ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂકશે.

મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ:
આ પ્રસંગે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. આ ઉપરાંત પ્રખ્યાત વક્તા અને કોલમિસ્ટ જય વસાવડા તેમજ લોકપ્રિય અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા પણ આ કલા ઉત્સવમાં સહભાગી થશે.

ત્રણ દિવસીય પ્રદર્શનની વિગતો:
'ચિત્રોક્તિ' પ્રદર્શન ૧૩, ૧૪ અને ૧૫ માર્ચ દરમિયાન દરરોજ સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. ચિત્રકાર ફલક અંતાણીના જણાવ્યા અનુસાર, દરેક કેનવાસ એક ધ્યાન સમાન છે અને દરેક સ્ટ્રોક શક્તિ અને અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. કલામાં રસ ધરાવતા નાગરિકોને આ પ્રદર્શન નિહાળવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે (મો) 98253 12254 અથવા ઈ-મેઈલ [email protected] પર સંપર્ક કરી શકાશે.

(10:46 PM IST)