News of Thursday, 12th March 2026
દાહોદ જિલ્લાના મીનાક્યારમાં દીપડાનો 70 વર્ષીય વૃદ્ધા હુમલો : ગામ લોકોમાં ફફડાટ, પાંજરું મૂકવા માંગ : ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
પોતાની દીકરીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે મીનાક્યાર આવ્યા હતા સવારના સમયે જ્યારે તેઓ તળાવની પાળ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમની પર પાછળથી હુમલો કર્યો

દાહોદ તા.૧૨: જીલ્લાના ગરબાડાના મીનાક્યાર ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મંડોરની 70 વર્ષીય વૃદ્ધા કમીબેન પર દીપડાએ તળાવ પાસે હુમલો કર્યો હતો. લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો, પરંતુ વૃદ્ધાને હાથ-પીઠ પર ઈજા થઈ હતી. વન વિભાગે તપાસ શરૂ કરી છે, જ્યારે ગ્રામજનોએ દીપડાને ઝડપવા પાંજરું મૂકવાની ઉગ્ર માંગ કરી છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં પ્રવેશની ઘટનાઓ સતત વધી રહી છે. આજે સવારના સમયે મીનાક્યાર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ખૂંખાર દીપડાએ વૃદ્ધ મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંડોર ગામના રહેવાસી 70 વર્ષીય વૃદ્ધા કમીબેન પોતાની દીકરીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે મીનાક્યાર આવ્યા હતા. સવારના સમયે જ્યારે તેઓ તળાવની પાળ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમની પર પાછળથી હુમલો કર્યો હતો.
સ્થાનિકોની સમયસૂચકતાથી બચાવ
દીપડાના અચાનક હુમલાથી ગભરાયેલા કમીબેને બૂમાબૂમ કરી મૂકતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનું ટોળું અને અવાજ સાંભળીને દીપડો વૃદ્ધાને છોડીને નજીકના જંગલ વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો. આ હુમલામાં કમીબેનને હાથ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં વૃદ્ધાને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
તંત્રની કામગીરી અને સારવાર
ઘટનાની જાણ થતાં જ 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સાથે જ વન વિભાગ ના કર્મચારીઓને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને દીપડાના પગના નિશાન તેમજ હુમલાના સ્થળની તપાસ હાથ ધરી હતી. વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે.
ગ્રામજનોની પાંજરું મૂકવાની માંગ
આ હુમલાની સમાચાર વાયુવેગે પ્રસરતા મીનાક્યાર અને આસપાસના ગામોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરોમાં જતા શ્રમિકો અને પશુપાલકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે વન વિભાગ વહેલી તકે આ નરભક્ષી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. લગ્નના ખુશીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી પરિવારમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
