<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

રવિવારથી પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદમાં નર્મદા કેનાલોનું પાણી નહીં મળે.

ઉત્તર ગુજરાતના આ ત્રણ જિલ્લાના ખેડૂતો અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડશે:નર્મદા વિભાગે પાણી બંધ કરવાનો જાહેર કર્યો આદેશ

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની શરૂઆત થતા જ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વધી છે, ત્યારે નર્મદા વિભાગ દ્વારા પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 15 માર્ચ 2026 થી આ ત્રણેય જિલ્લામાં સિંચાઈ માટે પાણી મળશે નહીં.  

નર્મદા નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર, નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલોની સાફ-સફાઈ કરવાની હોવાથી પાણી બંધ રાખવામાં આવશે. તંત્રએ ખેડૂતોને સૂચના આપી છે કે કેનાલ પર બિનઅધિકૃત રીતે મુકાયેલા પાણીના મશીનો, પમ્પો અને બકનળીઓ તાત્કાલિક અસરથી હટાવી લેવા, જેથી સફાઈ કામગીરીમાં કોઈ અડચણ ન આવે.

15 માર્ચથી પાણી બંધ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં મોટો ફટકો પડી શકે છે. ખાસ કરીને પશુપાલકો માટે પશુઓના ઘાસચારાના વાવેતર અને પશુઓને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા અને વાવ-થરાદ જેવા સરહદી વિસ્તારોમાં ખેતી અને પશુપાલન મુખ્ય આધાર હોવાથી આ નિર્ણયની વ્યાપક અસર જોવા મળશે

નર્મદા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખેડૂત કેનાલમાંથી ગેરકાયદેસર રીતે પાણી લેતા ઝડપાશે, તો તેમના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોએ હવે પાણીના વૈકલ્પિક સ્ત્રોત અથવા સંગ્રહિત પાણી પર નિર્ભર રહેવું પડશે.

(3:55 PM IST)