તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
સુરતના લીંબાયતમાં ચારિત્ર્ય પર વહેમ રાખી પતિએ દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી: ગુગલ હિસ્ટ્રીએ ખોલ્યું રહસ્ય
શ્વાસ રૂંધાવાથી કેટલી મિનિટમાં મૃત્યુ થઈ શકે? ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે? આરોપી જીતેન્દ્રએ પત્નીની હત્યા કરતા પહેલા ઇન્ટરનેટ પર ક્રૂર શોધખોળ કરી

સુરતના લિંબાયત વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ જ પત્નીની ક્રૂર હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ પીએમ રિપોર્ટ અને પોલીસની કડક પૂછપરછમાં આખરે સત્ય બહાર આવ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે, ગત 9 માર્ચના રોજ ગીતાંજલિ નામની મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. હત્યારા પતિ જીતેન્દ્ર દિલીપભાઈ માળીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી વાર્તા ઘડી હતી કે તેની પત્નીને અચાનક ચક્કર આવતા તે પડી ગઈ હતી અને તેના કારણે તેનું મોત નીપજ્યું છે. જોકે, પોલીસને શંકા જતાં તપાસ તેજ કરવામાં આવી હતી
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આરોપી જીતેન્દ્રએ પત્નીની હત્યા કરતા પહેલા ઇન્ટરનેટ પર ક્રૂર શોધખોળ કરી હતી. તેના મોબાઈલ હિસ્ટ્રીમાંથી જાણવા મળ્યું કે તેણે ગૂગલ (Google) પર સર્ચ કર્યું હતું કે:1. શ્વાસ રૂંધાવાથી કેટલી મિનિટમાં મૃત્યુ થઈ શકે?2. ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે?
આ પુરાવાઓએ સાબિત કર્યું કે આ અચાનક બનેલી ઘટના નહીં પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હતું.
જ્યારે ગીતાંજલિનો પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ગળું દબાવવાને કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. બીજી તરફ, મૃતકના ભાઈ મહેન્દ્ર માળી (Mahendra Mali) ની પૂછપરછમાં સામે આવ્યું કે જીતેન્દ્ર તેની પત્નીના ચારિત્ર્ય પર સતત શંકા રાખતો હતો અને આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા.
લિંબાયત પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા જીતેન્દ્ર ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તેણે પત્નીના દુપટ્ટા (Dupatta) વડે જ તેનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી હતી. હાલ પોલીસે હત્યારા પતિ જીતેન્દ્ર માળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
