તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
સુરત: બ્રેકઅપના આઘાતમાં બે વિદ્યાર્થિનીઓનો સામુહિક આપઘાત, ChatGPT પર સર્ચ કરી એનેસ્થેસિયાના ઈન્જેક્શનથી જીવ ટૂંકાવ્યો
માત્ર ૧૫ દિવસના અંતરાલમાં જ બંને સખીઓના પ્રેમસંબંધોનો અંત આવતા ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી; સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ મોતને વહાલું કર્યું, મોબાઈલ ચેટ્સ અને સર્ચ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા

સુરત: ૦૯ માર્ચ, ૨૦૨૬ : સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી બે આશાસ્પદ કોલેજિયન વિદ્યાર્થિનીઓના સામુહિક આપઘાત કેસમાં પોલીસ તપાસમાં હૃદયદ્રાવક અને ચોંકાવનારા ખુલાસા થયા છે. ૧૮ વર્ષીય રોશની શિરશાઠ અને ૨૦ વર્ષીય જ્યોત્સના ચૌધરીએ પ્રેમસંબંધમાં મળેલા નિષ્ફળતાના આઘાતમાં આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, બંને સખીઓના બ્રેકઅપ માત્ર ૧૫ દિવસના ગાળામાં જ થયા હતા, જેના કારણે તેઓ ગંભીર માનસિક તણાવમાં હતી.
મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા મૃતદેહ
ગત ૬ માર્ચના રોજ બી.કોમમાં અભ્યાસ કરતી આ બંને યુવતીઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી. પરિવારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે સણિયા કણદે સ્થિત નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાં તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં બંને યુવતીઓ બાથરૂમ તરફ જતી દેખાઈ હતી. પોલીસે બાથરૂમનો દરવાજો તોડી તપાસ કરતા બંને બેભાન હાલતમાં મળી આવી હતી. રોશનીની ઉપર જ્યોત્સના ઢળેલી હતી. હોસ્પિટલ ખસેડતા તબીબોએ બંનેને મૃત જાહેર કરી હતી.
ChatGPT પર સર્ચ કરી આપઘાતનો રસ્તો શોધ્યો
પોલીસે જ્યારે બંનેના મોબાઈલ ફોન તપાસ્યા ત્યારે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સમાં ભયાનક વિગતો સામે આવી હતી. આ વિદ્યાર્થિનીઓએ ChatGPT જેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ પર 'આપઘાત કઈ રીતે કરવો' તે અંગે સર્ચ કર્યું હતું. આ ઉપરાંત, તેમના ફોનમાંથી એનેસ્થેસિયાના ઈન્જેક્શન કઈ રીતે મારવા તેની જાણકારી આપતા ફોટા પણ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, અંદાજે ૧૧ મહિના પહેલા સુરતની કિરણ હોસ્પિટલની એક નર્સે એનેસ્થેસિયાના ઈન્જેક્શનથી આપઘાત કર્યો હતો, તે સમાચારનું કટિંગ પણ તેમના મોબાઈલમાં હતું. આ જૂની ઘટના પરથી જ તેમણે આપઘાતની રીત શીખી હોવાનું મનાય છે.
તબીબી રિપોર્ટ અને ઘટનાસ્થળની સ્થિતિ
સ્મીમેર હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એનેસ્થેસિયાનું 'અટ્રાક્યુરિયમ બેસીલેટ' ઈન્જેક્શન અને તેની ત્રણ બોટલો મળી આવી હતી. બંને યુવતીઓએ પોતપોતાના ડાબા હાથે ઈન્જેક્શન માર્યા હતા. આ દવાના ઓવરડોઝને કારણે શ્વસનતંત્ર અને સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જાય છે, જે મૃત્યુનું કારણ બન્યું હતું. જ્યોત્સનાની બેગમાંથી બંનેના સાથે પડાવેલા ફોટા, દુપટ્ટો અને રોશનીની બેગમાંથી હોળીના રંગો તથા કેલ્ક્યુલેટર મળી આવ્યા હતા.
માતા-પિતાની એનિવર્સરીના બીજા જ દિવસે અઘટિત ઘટના
મૃતક રોશનીના પિતા વજન કાંટાનો વ્યવસાય કરે છે, જ્યારે જ્યોત્સનાના પિતા સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનીશિયન છે. હૃદયદ્રાવક વાત એ છે કે, આપઘાતના એક દિવસ પહેલા જ એટલે કે ૫ માર્ચે રોશનીના માતા-પિતાની લગ્નની વર્ષગાંઠ હતી. રોશનીએ કેક કાપીને પરિવાર સાથે ખુશીથી આ દિવસ ઉજવ્યો હતો અને તેના અંતિમ ફોટા પણ સામે આવ્યા છે. બંને યુવતીઓનું સપનું પોલીસ ફોર્સમાં જોડાવાનું હતું અને ધોરણ-૧૨માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા.
હાલ ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન વધુ એનાલિસિસ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે અને આ એનેસ્થેસિયાના ઈન્જેક્શન તેમને કોણે પૂરા પાડ્યા અથવા કઈ મેડિકલ સ્ટોર પરથી ખરીદ્યા તે દિશામાં તપાસ તેજ કરી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
