News of Monday, 9th March 2026
સ્પીપા, ગાંધીનગર ખાતે કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો શુભારંભ :ચિંતન શિબિરની ભલામણોને અનુસંધાને તાલીમ કાર્યક્રમનો પ્રારંભ
મહિલા સશક્તિકરણ, સમાનતા તથા શાસનમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગે વિશેષ ચર્ચા : મહિલા અધિકારીશ્રીઓના યોગદાન અને તેમની પ્રશાસનિક ક્ષમતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા

ગાંધીનગર, તા. 09 : રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા અધિકારીઓને શાસન વ્યવસ્થાની મૂળભૂત સમજ, પ્રશાસનિક મૂલ્યો તથા કાર્યક્ષમતા વિકસાવવા માટે પૂર્વ સેવા તાલીમના ભાગ રૂપે કોમન ફાઉન્ડેશન કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. ચિંતન શિબિરમાં કરવામાં આવેલી મહત્વપૂર્ણ ભલામણોના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા કોમન ફાઉન્ડેશન કોર્સ અમલમાં મૂકવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના અમલીકરણ માટે તાલીમ સંબંધિત નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
આ અનુસંધાને, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), ગાંધીનગર ખાતે મહાનિદેશક હારીત શુક્લા આઈ.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ તા. 09-03-2026ના રોજ કુલ 50 અધિકારીશ્રીઓ માટેના કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો વિધિવત્ શુભારંભ સ્પીપા, અમદાવાદના નાયબ મહાનિદેશક સી.સી.કોટક, આઈ.એ.એસ.ના વરદ્ હસ્તે દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યો છે.
આ પહેલ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી નિયુક્ત થયેલ અધિકારીશ્રીઓની તાલીમને વધુ સુદ્રઢ બનાવશે તથા ગુજરાતની સુશાસનની પરંપરાને આગળ વધારશે.
આ તાલીમ કાર્યક્રમ દ્વારા અધિકારીશ્રીઓને રાજ્યની શાસન પદ્ધતિ, જાહેર નીતિ, સુશાસન, વહીવટી વ્યવહાર, કાયદાકીય માળખું, નાણાકીય વ્યવસ્થાપન તથા લોકકેન્દ્રિત સેવા સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે અનુભવી અધિકારીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો, ચર્ચા સત્રો અને પ્રાયોગિક તાલીમ દ્વારા અધિકારીશ્રીઓની કાર્યક્ષમતા તથા નેતૃત્વ ક્ષમતા વિકસાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે તા. 08 માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોમન ફાઉન્ડેશન કોર્સની આ પ્રથમ બેચમાં તાલીમાર્થી અધિકારીઓમાં મોટાભાગે મહિલા અધિકારીશ્રીઓનો સમાવેશ થતો હોવાથી તાલીમના ઉદ્ઘાટન સત્રમાં સ્પીપાના નાયબ મહાનિદેશકશ્રીએ જણાવ્યું કે આ બેચના શુભારંભ સાથે અનાયાસ સ્પીપા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ છે.
આ અવસરે મહિલા સશક્તિકરણ, સમાનતા તથા શાસનમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા અધિકારીશ્રીઓના યોગદાન અને તેમની પ્રશાસનિક ક્ષમતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્પીપા દ્વારા આયોજિત આ કોમન ફાઉન્ડેશન કોર્સ રાજ્યના શાસનતંત્રમાં કાર્યરત નવા અધિકારીઓને કાર્યક્ષમ, સંવેદનશીલ અને જવાબદાર પ્રશાસક તરીકે ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
