તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
પાટીદાર સંસ્થાઓમાં 'ટ્રસ્ટીરાજ' સામે સુરતમાં બળવો: સરકારી ગ્રાન્ટના દુરુપયોગ મુદ્દે ઉગ્ર આક્રોશ
કામરેજમાં મળેલી પાટીદાર સમાજની ચિંતન બેઠકમાં સનસનાટીભર્યા આક્ષેપો; શિક્ષણ અને આરોગ્યના નામે સ્વાર્થ સાધતા લેભાગુ તત્વો સામે નિખિલ દોંગા સહિતના અગ્રણીઓએ રણશિંગુ ફૂંક્યું, પારદર્શક વહીવટની ઉઠી જોરદાર માંગ

સુરત: દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન કામરેજ ખાતે પાટીદાર સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ અને તોફાની બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના અગ્રણીઓએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલી ગેરરીતિઓ સામે લાલ આંખ કરી છે. આ બેઠકમાં ગોંડલના જાણીતા પાટીદાર અગ્રણી નિખિલ દોંગા સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. બેઠકનો મુખ્ય સૂર એ હતો કે સમાજની કેટલીક નામી સંસ્થાઓમાં બેઠેલા ટ્રસ્ટીઓ માત્ર પોતાનું માલિકીપણું ચલાવી રહ્યા છે અને સામાન્ય પાટીદાર પરિવારના હિતોને નેવે મૂકી રહ્યા છે, જે હવે સહન કરવામાં નહીં આવે.
આક્ષેપોની ઝડી વરસાવતા વક્તાઓએ જણાવ્યું હતું કે, અનેક પાટીદાર સંસ્થાઓ સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે, પરંતુ તેનો વાસ્તવિક લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચતો નથી. શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે, ત્યારે આ સંસ્થાઓ માત્ર કાગળ પર સેવાના કાર્યો બતાવી અંદરખાને વહીવટી પારદર્શિતાનો અભાવ દાખવી રહી છે. ખાસ કરીને જે સંસ્થાઓ સરકારી સહાયથી ચાલે છે, ત્યાં ટ્રસ્ટીઓ દ્વારા પ્રાઈવેટ લિમિટેડ કંપની જેવો વહીવટ ચલાવવામાં આવતો હોવાનો ગંભીર આરોપ આ બેઠકમાં મૂકવામાં આવ્યો હતો.
બેઠકના અંતે ઉગ્ર સુર સાથે માંગ કરવામાં આવી હતી કે, સરકારના નાણાં અને સમાજના નામે ચાલતી સંસ્થાઓના વહીવટનું ઓડિટ થવું જોઈએ અને જે ટ્રસ્ટીઓ ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આંદોલનકારી મિજાજ ધરાવતા આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સામાન્ય પાટીદારોને પૂરતો ન્યાય નહીં મળે, તો આ લડતને ગામડે-ગામડે લઈ જવામાં આવશે. આ બેઠકે સુરત સહિત સમગ્ર રાજ્યના પાટીદાર રાજકારણમાં અને સામાજિક સંગઠનોમાં નવા સમીકરણો સર્જ્યા છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
