<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

સરહદી ગામ ભાણદામાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ: 19મી સદીની પરંપરા મુજબ યોજાયો રંગપંચમીનો ભવ્ય મેળો, ગુજરાત-રાજસ્થાનના હજારો આદિવાસી ભાઈ-બહેનો ઉમટી પડ્યા!

બે રાજ્યો અને 13 ગામોના હૈયાના હેતનો મેળો: હોલિકા દહનથી શરૂ થયેલો ઉત્સવ રંગેચંગે સંપન્ન, વિજયનગરના પહાડોમાં ગુંજી ઉઠ્યા લોકગીતો અને સંસ્કૃતિના મધુર સૂર

વિજયનગર, તા. 08: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનું ભાણદા ગામ આજે એક મિનિ-કુંભ જેવું જણાઈ રહ્યું હતું. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલી આ ઐતિહાસિક ધરતી પર 19મી સદીથી ચાલી આવતી પરંપરા મુજબ રંગપંચમીના પાવન અવસરે ભવ્ય લોકમેળો યોજાયો હતો. હોળી-ધૂળેટીના પર્વ બાદ આદિવાસી સમાજની પરંપરાગત ધરોહર સમાન આ મેળામાં લોકજીવનના અદભૂત દર્શન થયા હતા.
13 ગામોનો ભાતૃભાવ અને સંસ્કૃતિનું જતન
આ મેળો માત્ર મનોરંજનનું સાધન નથી, પણ બે રાજ્યોના લોકો વચ્ચેના અતૂટ સંબંધોનું પ્રતીક છે. વિજયનગર તાલુકાના દઢવાવ, મોજાળીયા, ભટેલા જેવા ગામો અને પાડોશી રાજ્ય રાજસ્થાનના ખેરવાડા વિસ્તારના મળીને કુલ 13 જેટલા ગામોના લોકો અહીં એકઠા થયા હતા. વર્ષો જૂની આ પરંપરામાં આદિવાસી સંસ્કૃતિના પોશાક, ઘરેણાં અને તેમના પરંપરાગત નૃત્યોએ હજારો પ્રવાસીઓના દિલ જીતી લીધા હતા.
હોલિકા દહનથી રંગપંચમી સુધીની સફર
ભાણદા ગામની આ પરંપરા હોલિકા દહનથી શરૂ થાય છે અને રંગપંચમીના આ મેળા સાથે તેની પૂર્ણાહુતિ થાય છે. મેળામાં વણધોલ, વસાઈ અને સારોલી સહિતના પંથકમાંથી આવેલા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બદલાતા સમયમાં પણ નવી પેઢી પોતાની આ ધરોહરને તેટલી જ શ્રદ્ધા અને ઉમંગથી સાચવી રહી છે, જે ખરેખર પ્રશંસનીય છે.
ગિરિમાળાઓમાં ગુંજ્યો લોકમેળો
વિજયનગરની ગિરિમાળાઓમાં વસેલું ભાણદા ગામ આખો દિવસ લોકગીતો અને ઢોલ-નગારાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજારોની મેદની હોવા છતાં લોકોમાં શિસ્ત અને પોતાની પરંપરા પ્રત્યેનો ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. આ મેળો સાબિત કરે છે કે લોકસંસ્કૃતિના મૂળિયાં આજે પણ ગામડાઓમાં અત્યંત મજબૂત છે.

(8:50 PM IST)