તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
વડોદરાના ખેડૂતનો 'ગોલ્ડન' આઈડિયા: હળદર ઉગાડીને વેચવાને બદલે પ્રોસેસિંગ શરૂ કર્યું, હવે એક વિઘાએ કમાય છે ₹60 હજારનો ચોખ્ખો નફો!
માત્ર ખેતી જ નહીં, હવે હિતેશભાઈ પોતે જ છે પોતાની બ્રાન્ડ: સરકારી સબસીડી અને આધુનિક ટેકનોલોજીના સંગમથી છાણીના ખેડૂતે ખેતીને બનાવ્યો નફાકારક બિઝનેસ

વડોદરા: આજના યુગમાં ખેતીને ખોટનો ધંધો માનતા લોકો માટે વડોદરાના છાણી ગામના યુવાન ખેડૂત હિતેશભાઈ પટેલ એક જીવંત મિસાલ બન્યા છે. હિતેશભાઈએ પરંપરાગત ખેતીમાં ટેકનોલોજીનો તડકો ઉમેરીને સાબિત કરી દીધું છે કે જો ખેડૂત 'સ્માર્ટ' બને, તો ધરતી માતા સોનું જ આપે છે. સાકરદા ગામમાં 25 વિઘા જમીનમાં ખેતી કરતા હિતેશભાઈએ હળદરના પાકમાં મૂલ્યવર્ધન (Value Addition) કરીને લાખોની કમાણી કરી છે.
હળદરના પાવડરથી ઉભી કરી પોતાની બ્રાન્ડ
મોટાભાગના ખેડૂતો હળદર પકવીને તેને સીધી બજારમાં વેચી દેતા હોય છે, જેમાં ઓછો ભાવ મળે છે. પરંતુ હિતેશભાઈએ બાગાયત ખાતાની મદદથી 50% સબસીડી પર આધુનિક બોઈલર પ્રોસેસિંગ મશીન ખરીદ્યું. હવે તેઓ હળદરને ઉકાળી, સુકવી અને જાતે જ પાવડર બનાવીને વેચે છે. આ મૂલ્યવર્ધનને કારણે તેમને વિઘા દીઠ ₹50,000 થી ₹60,000 નો માતબર નફો મળી રહ્યો છે. આજે મસાલા બજારમાં તેમની હળદરની એક અલગ ઓળખ ઉભી થઈ છે.
બટાકાની ખેતીમાં પણ 'માસ્ટર માઈન્ડ'
હિતેશભાઈ માત્ર હળદર જ નહીં, પણ બટાકાની ખેતીમાં પણ નવી દ્રષ્ટિ ધરાવે છે. તેઓ 'લોકર બટાકા'નું વાવેતર કરે છે અને જ્યારે બજારમાં ભાવ ઓછા હોય ત્યારે ઉતાવળ કરવાને બદલે પાકને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખે છે. જ્યારે બજારમાં સારા ભાવ મળે ત્યારે જ તેઓ વેચાણ કરે છે. આ ઉપરાંત, તેઓ રાસાયણિક ખાતરને બદલે દિવેલીયું અને છાણિયા ખાતર જેવા જૈવિક ખાતરનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા પણ જાળવી રહ્યા છે.
યુવા ખેડૂતો માટે પ્રેરણા
હિતેશભાઈ કહે છે કે, "ખેતીમાં જો નફો મેળવવો હોય તો માત્ર ઉત્પાદન પૂરતું નથી, માર્કેટિંગ અને પ્રોસેસિંગ પણ એટલું જ જરૂરી છે." સરકારની વિવિધ સહાયક યોજનાઓ અને નવી ટેકનોલોજીના ઉપયોગથી હિતેશભાઈએ સાકરદા અને છાણી પંથકમાં પ્રગતિશીલ ખેડૂત તરીકેનું સન્માન મેળવ્યું છે. તેમનો આ પ્રયોગ આજે અનેક યુવા ખેડૂતો માટે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
