News of Sunday, 8th March 2026
સુરત: ડીંડોલી પોલીસની ‘No Drugs In Surat City’ અભિયાનમાં મોટી સફળતા, મોબીનશાહ ફકીર અને સીકંદર શેખ ડ્રગ્સ સાથે ઝડપાયા
પી.આઈ. આર.જે. ચુડાસમાના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમે સાંઈ પોઈન્ટ પાસેથી રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે ઈસમોને ₹1.29 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા; અનિલભાઈ જીણાભાઈની બાતમી રંગ લાવી

સુરત: સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ચલાવવામાં આવી રહેલા 'No Drugs In Surat City' અભિયાન અંતર્ગત ડીંડોલી પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે બાતમીના આધારે ઓટો રિક્ષામાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહેલા બે ઈસમોને રંગેહાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
બાતમીના આધારે ફિલ્મી ઢબે વોચ ગોઠવી આરોપીઓને દબોચ્યા
સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૨ કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર “આઈ” ડિવિઝન એન.પી. ગોહીલની સૂચના મુજબ ડીંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાએ નાર્કોટિક્સની પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ સર્વેલન્સ ટીમ બનાવી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ જીણાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાંઈ પોઈન્ટથી સી.આર. પાટીલ બ્રિજ તરફ જતા જાહેર શૌચાલય પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ સ્થળેથી શંકાસ્પદ ઓટો રિક્ષામાં જઈ રહેલા બે ઈસમોને અટકાવી તેમની તપાસ કરતા તેમની પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ અને મુદ્દામાલની વિગત
પોલીસે આ કાર્યવાહીમાં (૧) મોબીનશાહ મહેમુદશાહ ફકીર (રહે- ભેસ્તાન આવાસ, મૂળ મહારાષ્ટ્ર) અને (૨) સીકંદર યુસુફ શેખ (રહે- ભેસ્તાન આવાસ, મૂળ મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૪.૯૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત ₹૧૪,૯૭૦, એક ઓટો રિક્ષા (કિ.રૂ. ૧,૦૦,૦૦૦), મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹૧,૨૯,૧૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી મોબીનશાહ ફકીર અગાઉ પણ ૨૦૨૩માં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
પોલીસની કામગીરી અને કાયદેસરની કાર્યવાહી
આ સમગ્ર ઓપરેશનમાં પી.આઈ. આર.જે. ચુડાસમા સાથે સેકન્ડ પી.આઈ. કે.એ. ચૌહાણ, પી.એસ.આઈ. ડી.એ. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મિલીંદ તુકારામ, જયદેવભાઈ ગોકુળભાઈ તથા કોન્સ્ટેબલ અનિલભાઈ જીણાભાઈ, યશપાલસિંહ પ્રધ્યુમનસિંહ અને પાર્થભાઈ વાલાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૨બી અને ૨૯ મુજબ ગુનો નોંધી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
