<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

પીઠમાં લોખંડના હૂક અને અગ્નિ પરીક્ષા: છોટાઉદેપુરના ચિસડીયામાં ‘બળવો’ બનવાની આ રૂંવાડા ઉભા કરી દે તેવી પરંપરા શું છે?

હોળીના અંગારા પર ચાલવું અને હવામાં પાંચ ચક્કર ફરવા; આદિવાસી સમાજની શ્રદ્ધા અને હિંમતની અકલ્પનીય કસોટી એટલે 'બળવાનો મેળો'

છોટાઉદેપુર, તા.૦૮: ગુજરાતના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં હોળીનો તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ તે પરંપરા અને શૌર્યની અગ્નિ પરીક્ષાનો સમય છે. છોટાઉદેપુર જિલ્લાના ચિસડીયા ગામે યોજાતો 'બળવાનો મેળો' આજે પણ રક્ષણ અને શ્રદ્ધાના પ્રતીક સમાન છે. અહીં 'બળવો' (એક પ્રકારના ધાર્મિક રક્ષક) બનવા માટે યુવાનોએ જે કઠિન વિધિઓમાંથી પસાર થવું પડે છે, તે જોઈને ભલભલાના શ્વાસ થંભી જાય છે.
લોખંડના હૂક અને અગમ્ય આસ્થા
આ મેળાની સૌથી રજૂઆત અને ખતરનાક વિધિ એ છે કે, બળવો બનવા ઈચ્છતા યુવાનની પીઠના ભાગે લોખંડના તીક્ષ્ણ હૂક ભરાવવામાં આવે છે. માન્યતા એવી છે કે જો આ પ્રક્રિયા દરમિયાન યુવાનની પીઠમાંથી લોહીનું એક ટીપું પણ નીકળે, તો તે પરીક્ષામાં 'નાપાસ' ગણાય છે અને તેને દેવની કૃપા પ્રાપ્ત થઈ નથી તેમ માનવામાં આવે છે. આ કસોટી યુવાનની આંતરિક શક્તિ અને શ્રદ્ધાની ચરમસીમા છે.
આકાશમાં ચકડોળની જેમ પાંચ ફેરા
હૂક લગાવ્યા બાદ, સફળ ઉમેદવારને લાકડાના એક ઊંચા સ્તંભ (ગાડા જેવી રચના) પર બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ તેને જમીનથી ઊંચે હવામાં ગોળ-ગોળ પાંચ ચક્કર ફેરવવામાં આવે છે. આ દ્રશ્ય નિહાળવા માટે હજારોની મેદની ઉમટી પડે છે. માત્ર એક દિવસની વિધિથી કોઈ 'બળવો' નથી બની જતું, આ માટે સતત ૫ થી ૭ વર્ષ સુધી આવી કઠિન વિધિઓ પૂર્ણ કરવી પડે છે, ત્યારે જ સમાજ તે વ્યક્તિને આદરણીય સ્થાન આપે છે.
અંગારા પર ચાલીને હિંમતની સાબિતી
ચિસડીયા પહોંચતા પહેલા, યુવાનોએ હોળીના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવું પડે છે. આ પરંપરા સદીઓ જૂની છે અને આદિવાસી સમાજનું માનવું છે કે આ વિધિ કરવાથી ગામ પર આવતી આપત્તિઓ દૂર થાય છે અને નવી પેઢીમાં સાહસના ગુણો કેળવાય છે.

(5:12 PM IST)