<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સુરતના સણિયા ગામે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં બે વિદ્યાર્થિનીઓના રહસ્યમય સંજોગોમાં મોત: ઈન્જેક્શન અને ઝેરી દવાઓ મળતા સનસનાટી

કોલેજ જવાનું કહી નીકળેલી બે સહેલીઓએ આપઘાત કર્યો કે બીજું કંઈ? 'હાઉ ટુ કમિટ સુસાઈડ'ના સર્ચ હિસ્ટ્રી અને ઘટનાસ્થળેથી મળેલી દવાની બોટલોએ પોલીસ તપાસમાં ખળભળાટ મચાવ્યો

સુરત:સુરત શહેરના છેવાડે આવેલા સણિયા હેમાદ ગામમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી બે કોલેજિયન યુવતીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી નામની બે ખાસ બહેનપણીઓ ઘરેથી કોલેજ જવાનું કહી નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મંદિરના પાર્કિંગમાંથી તેમની મોપેડ મળી આવતા શંકા દ્રઢ બની હતી. મંદિરના સીસીટીવી ફૂટેજ ચકાસતા બંને યુવતીઓ બાથરૂમ તરફ જતી જણાઈ હતી. અંદરથી બંધ દરવાજો તોડીને જોતા બંને વિદ્યાર્થિનીઓ બેભાન હાલતમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી.

આ કેસમાં પોલીસને ઘટનાસ્થળેથી વપરાયેલા ઇન્જેક્શન અને દવાની ત્રણ શંકાસ્પદ બોટલો મળી આવી છે, જે આત્મહત્યા તરફ ઈશારો કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મૃતક રોશનીએ તેના મોબાઈલમાં ChatGPT પર ‘How to commit suicide’ (આત્મહત્યા કેવી રીતે કરવી) તે અંગે સર્ચ કર્યું હતું. આ ટેકનિકલ પુરાવા અને બાથરૂમમાંથી મળેલી મેડિકલ સામગ્રી સૂચવે છે કે બંનેએ પૂર્વ આયોજિત રીતે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, આટલી નાની ઉંમરે અને અભ્યાસમાં તેજસ્વી એવી આ બે યુવતીઓએ કયા અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું તે અત્યારે પોલીસ માટે મોટો કોયડો બન્યો છે.

ડિંડોલી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. ઇન્જેક્શનમાં કયા પ્રકારનું કેમિકલ કે ઝેર હતું તેની ચોક્કસ માહિતી મેળવવા માટે એફએસએલ (FSL)ની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ કોઈ પ્રેમ પ્રકરણનો મામલો છે કે પછી અન્ય કોઈ માનસિક દબાણ હેઠળ યુવતીઓએ આ પગલું ભર્યું છે. સુરત પોલીસ કમિશનરે પણ આ મામલે ઉંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે, કારણ કે ધાર્મિક સ્થળ પર બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

(11:43 PM IST)