તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
T20 વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટોના કાળાબજારનો પર્દાફાશ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપીન ભાટી અને રીતીક યાદવને ઝડપી પાડ્યા
પોલીસ કમિશનર જી.એસ. મલ્લિક અને જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમની કાર્યવાહીથી કાળાબજારીયા તત્વોમાં ફફડાટ; નરેન્દ્ર મોદી સ્ટેડિયમની રૂ. ૧૦,૦૦૦માં ટિકિટ વેચતા બે શખ્સો પાસેથી ૦૮ ટિકિટો કબજે

રાજકોટ:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે તારીખ ૦૮/૦૩/૨૦૨૬ ના રોજ યોજાનાર ICC Men’s T20 World Cup-2026 ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. મેચની ટિકિટોની ઉંચા ભાવે કાળાબજારી કરતા રાજસ્થાન અને મુંબઈના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવીને ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે સફળ ટ્રેપ:
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ફાઈનલ મેચની ટિકિટોની કાળાબજારી કરવા માટે કેટલાક શખ્સો સક્રિય થયા છે. આ બાતમીના આધારે ઉસ્માનપુરા વિસ્તારમાં ગુજરાત વિદ્યાપીઠ એસ.ટી. પીકઅપ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરેલા બે ઈસમોને પોલીસે કોર્ડન કરીને તેમની અંગઝડતી લેતા, તેમની પાસેથી ફાઈનલ મેચની કુલ ૦૮ અસલી ટિકિટો મળી આવી હતી.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા નીચે મુજબના બે આરોપીઓની ધરપકડ કરી છે:
૧. વિપીન રાજેન્દ્રસિંગ ભાટી (રહે. જોધપુર, રાજસ્થાન)
૨. રીતીક રાકેશ યાદવ (રહે. વર્સોવા, મુંબઈ; મૂળ રહે. મધ્યપ્રદેશ)
ત્રણ ગણા ભાવે ટિકિટનું વેચાણ:
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓએ અગાઉથી ઓનલાઇન પોર્ટલ પરથી ટિકિટો બુક કરાવી હતી. મેચના આગલા દિવસે જ્યારે ટિકિટોની ભારે માંગ હોય છે, ત્યારે આ શખ્સો નિયત કિંમત કરતા ત્રણ ગણા એટલે કે અંદાજે રૂ. ૧૦,૦૦૦/- માં એક ટિકિટ ગેરકાયદેસર રીતે વેચતા હતા. ક્રાઈમ બ્રાન્ચે તમામ ટિકિટો કબજે કરી આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ તેજ કરી છે.
ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન:
કાળાબજારિયા તત્વો વિરુદ્ધની આ કડક કાર્યવાહી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઓપરેશન પાર પાડતા ક્રિકેટ ચાહકોને લૂંટતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટિકિટો હંમેશા અધિકૃત સોર્સ પાસેથી જ ખરીદવી.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
