તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
સ્પીપા ખાતે અટલ વ્યાખ્યાનમાળા અંતર્ગત 'વિકસિત ભારત'ના વિઝન અને સુશાસન પર વિશેષ વ્યાખ્યાન યોજાયું
ટેકનોલોજી અને ગ્રાસરૂટ ગવર્નન્સના માધ્યમથી અંત્યોદય સુધી પહોંચવાનું લક્ષ્ય જ 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરશે: અમિતાભ રંજન: 'અટલ વ્યાખ્યાનમાળા’ના છઠ્ઠા સંસ્કરણમાં ડિજિટલ ક્રાંતિ અને AI જેવા ઉભરતા ક્ષેત્રોમાં રહેલી તકો દ્વારા ‘વિકસિત ભારત’ના નિર્માણ અંગે પ્રેરણાદાયી મંથન

અમદાવાદના સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે સામાન્ય વહીવટ વિભાગ (ARTD) દ્વારા ‘અટલ વ્યાખ્યાનમાળા’ ના છઠ્ઠા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA), નવી દિલ્હીના રજિસ્ટ્રાર શ્રી અમિતાભ રંજને ઉપસ્થિત રહીને "વિકસિત ભારત: સ્વપ્નથી હકીકત સુધીની સફર" વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ટેકનોલોજી અને કુશળ વહીવટના સમન્વય દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝન પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અમિતાભ રંજને ભારતની પ્રાચીન આર્થિક અને બૌદ્ધિક સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ભારત માત્ર લોકશાહીની જનેતા જ નથી, પરંતુ જ્ઞાન અને વિજ્ઞાનનો વૈશ્વિક સ્ત્રોત પણ રહ્યું છે. 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે સંસ્થાનવાદી માનસિકતાનો ત્યાગ કરી સ્વદેશી જ્ઞાન પરંપરા પર ગર્વ કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કરોડો લોકો ગરીબીરેખાથી બહાર આવ્યા છે, જે દર્શાવે છે કે આપણે ૨૦૪૭ પહેલા જ વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ.
વિકસિત રાષ્ટ્રના પાયામાં માનવ સંસાધન વિકાસને મહત્વનું ગણાવતા તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP), સર્વ શિક્ષા અભિયાન અને પીએમ પોષણ યોજના જેવી પહેલોની પ્રશંસા કરી હતી, જેના કારણે શિક્ષણમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટ્યો છે. યુવાનોને રોજગારક્ષમ બનાવવા માટે તેમણે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ, કૌશલ વિકાસ યોજના અને પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉલ્લેખ કરી 'જોબ સીકર' ને બદલે 'જોબ ક્રિએટર' બનવા આહવાન કર્યું હતું. આ સાથે જ મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, શ્રમ શક્તિમાં મહિલાઓની વધતી ભાગીદારી રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે.
વ્યાખ્યાનમાં આરોગ્ય અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સમન્વય પર પ્રકાશ પાડતા તેમણે આયુષ્માન ભારત, આભા (ABHA) આઈડી અને જનની સુરક્ષા યોજના જેવી યોજનાઓને ગેમ-ચેન્જર ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે વિશ્વ માટે મિસાલ છે, જેમાં UPI, જનધન યોજના, ડિજી લોકર અને ડિજી યાત્રા જેવી સેવાઓએ નાગરિકોના જીવનને સરળ બનાવ્યું છે. તેમણે મિશન કર્મયોગી અને iGOT પ્લેટફોર્મ દ્વારા સિવિલ સર્વન્ટ્સની ક્ષમતા વર્ધન પર ભાર મૂકી, ટેકનોલોજી અને સુશાસન દ્વારા અંત્યોદય સુધી પહોંચવાનું વિઝન રજૂ કર્યું હતું.
અટલજીના સુશાસનના વિઝનને યાદ કરી તેમણે ઉમેર્યું કે, ટેકનોલોજી અને ગ્રાસરૂટ ગવર્નન્સના માધ્યમથી અંત્યોદય સુધી પહોંચવાનું લક્ષ્ય જ 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરશે. વ્યાખ્યાન દરમિયાન તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઈ-ગવર્નન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં રહેલી તકો અને પડકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા અમિતાભ રંજન આઈ.આઈ.ટી. (ISM) ધનબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને સિવિલ સર્વિસિસ સહિત જાહેર વહીવટમાં ૨૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે અગાઉ ઉત્તર પ્રદેશ સરકારમાં સેવા આપતા 'વાહન' અને 'સારથિ' જેવા મહત્વના ડિજિટલ પ્રોજેક્ટ્સનું પાયલોટ સફળતાપૂર્વક અમલીકરણ કરાવ્યું હતું. વ્યુહાત્મક વહીવટ અને પબ્લિક પોલિસીના નિષ્ણાત એવા રંજન હાલમાં IIPA ખાતે નેતૃત્વની ભૂમિકામાં રહીને દેશના વહીવટી માળખાને વધુ સક્ષમ બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પીપાના ડાયરેક્ટ જનરલ શ્રી હારિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સી.સી. કોટકના માર્ગદર્શન હેઠળ આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિતોએ પોતાના પ્રશ્નો અંગે મુખ્ય વક્તા પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યસચિવ પ્રવીણ કે. લહેરી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સી.સી. કોટક, સ્પીપાના જોઇન્ટ ડાયરેક્ટર (રેવન્યુ) એ.એ. ડોડિયા, નોલેજ મેનેજર ઋતા ભટ્ટ, સ્પીપા નાયબ નિયામક(હિસાબ) હાર્દિક પ્રજાપતિ સહિત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ, તાલીમાર્થીઓ, શિક્ષણ જગતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાખ્યાનનો લાભ લીધો હતો
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
