તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
ડાકોરના ઠાકોરના મેળામાં ST નિગમની 'ચાંદી': માત્ર 5 દિવસમાં નડિયાદ ડિવિઝને કરી ₹1.33 કરોડની અધધ આવક, 1.32 લાખ શ્રદ્ધાળુઓએ કરી સવારી
કપડવંજ ડેપો રહ્યો કમાણીમાં મોખરે; 3,600 થી વધુ સ્પેશિયલ ટ્રિપ્સ દ્વારા લાખો પદયાત્રીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડી ગુજરાત એસ.ટી.એ સેવાનો પરચો બતાવ્યો

ખેડા : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે યોજાયેલ ફાગણી પૂનમનો મેળો આ વર્ષે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. લાખોની મેદની વચ્ચે શ્રદ્ધાળુઓને સલામત મુસાફરી પૂરી પાડવાની સાથે નડિયાદ ડિવિઝને આર્થિક રીતે પણ મોટી છલાંગ લગાવી છે. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન ચાલેલા આ મેળામાં એસ.ટી. નિગમે કુલ ₹1,33,92,607 ની રેકોર્ડબ્રેક આવક મેળવી છે.
3,603 સ્પેશિયલ ટ્રિપ્સ અને 3.24 લાખ કિલોમીટરનો પ્રવાસ
યાત્રાળુઓનો અવિરત પ્રવાહ જોતા નડિયાદ ડિવિઝન દ્વારા કુલ 3,603 વિશેષ ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બસોએ પાંચ દિવસમાં 3.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપીને શ્રદ્ધાળુઓને રણછોડરાયના દ્વાર સુધી પહોંચાડ્યા હતા. નિગમની પ્રતિ કિલોમીટર આવક ₹41.23 નોંધાઈ છે, જે ઓપરેશનલ દ્રષ્ટિએ અત્યંત સફળ ગણાય છે.
કપડવંજ અને બાલાસિનોર ડેપોની 'ધૂમ'
આવકની દ્રષ્ટિએ કપડવંજ ડેપો ₹23.70 લાખની આવક સાથે ડિવિઝનમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યાંથી 20,092 મુસાફરોએ બસ સેવાનો લાભ લીધો હતો. જો કાર્યક્ષમતાની વાત કરીએ તો, બાલાસિનોર ડેપો પ્રતિ કિલોમીટર ₹51.28 ની આવક સાથે મોખરે રહ્યો છે. મહેમદાવાદ અને બાલાસિનોર ડેપોએ પણ અનુક્રમે ₹20.12 લાખ અને ₹17.23 લાખની નોંધપાત્ર આવક રળી આપી છે.
સલામત અને સુચારૂ વ્યવસ્થાપન
નડિયાદ ડિવિઝનના અધિકારીઓ અને ડ્રાઈવર-કંડક્ટરના સચોટ આયોજનને કારણે કોઈ પણ મોટી દુર્ઘટના વિના લાખો મુસાફરોએ સલામત મુસાફરી કરી હતી. ડાકોર કેન્દ્ર પરથી પણ 18,118 મુસાફરો નોંધાયા હતા. આ સફળતાએ સાબિત કર્યું છે કે ખાનગી વાહનોના જમાનામાં પણ શ્રદ્ધાળુઓનો ગુજરાત એસ.ટી. પરનો ભરોસો અતૂટ છે.
ડાકોરના મેળામાં મળેલી આ સફળતા બાદ હવે નિગમ આગામી મોટા તહેવારોમાં પણ આવી જ લોકભોગ્ય અને નફાકારક સુવિધાઓ વધારવા માટે ઉત્સાહિત છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
