તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની પાવન ઉપસ્થિતિ
સંગ્રહાલયના મંડોવરનું પૂજન અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી આરએસએસ વડાએ સનાતન ધર્મના મહત્વને બિરદાવ્યું; શિક્ષાપત્રીના નિયમોના પાલનથી જ ભારતની પ્રગતિ શક્ય હોવાનું જણાવી ધોલેરા મહોત્સવનું નિમંત્રણ સ્વીકાર્યું

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે આજે એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘ શતાબ્દી વર્ષ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષના પવિત્ર અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવતે વડતાલધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડતાલના સંતો, ઋષિકુમારો અને હરિભક્તો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સનાતન ધર્મ સંગ્રહાલય અને દેવદર્શન
અમદાવાદથી વડતાલ પહોંચ્યા બાદ મોહન ભાગવતે ગોમતીજીના કિનારે નિર્માણ પામી રહેલા ભારતના સૌથી મોટા સનાતન ધર્મ સંગ્રહાલય 'અક્ષર ભવન'ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પૂજ્ય સંતો અને ઋષિકુમારોની હાજરીમાં વેદ મંત્રોચ્ચાર વચ્ચે સંગ્રહાલયના વિશાળ મંડોવરની ગજેન્દ્ર પિઠિકાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે વડતાલ સંસ્થાનના ચેરમેન ડૉ. સંત સ્વામી, ગઢડા અને જૂનાગઢ મંદિરના ચેરમેન તથા અગ્રણી દાતાઓ સહભાગી થયા હતા. ત્યારબાદ તેમણે સ્વામિનારાયણ ભગવાન દ્વારા નિર્મિત ભવ્ય મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા હતા. મંદિરે પહોંચતા જ આસામ, મણિપુર અને ત્રિપુરાના બાળકોએ રાધિકાષ્ટકમ મંત્રો સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
શિક્ષાપત્રીના આદર્શો અને સનાતન જ્ઞાન
દ્વિશતાબ્દી સભાગૃહમાં આયોજિત સભામાં મોહન ભાગવતે પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "શિક્ષાપત્રી પ્રમાણે જો આપણે રહીએ તો ભારતની પ્રગતિ નિશ્ચિત છે, તે માટે મારે અલગથી કોઈ માર્ગદર્શન આપવાની જરૂર નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે સંઘ જે કાર્ય કરી રહ્યો છે તેનો વાસ્તવિક કર્તા ઈશ્વર છે; આપણે તો માત્ર લાકડી અડાડી રહ્યા છીએ. ભારત પાસે રહેલું શાસ્ત્રોનું જ્ઞાન જ દુનિયાને વિનાશથી બચાવી શકશે અને હવે આ જ્ઞાન વહેંચવાનો સમય પાકી ગયો છે. સનાતન ધર્મને ધબકતો રાખવા માટે તેમણે સંતોના યોગદાનને પણ બિરદાવ્યું હતું.
ધોલેરા મહોત્સવનું નિમંત્રણ
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મોહન ભાગવતની પધરામણીને વધાવતા રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે આવતા ડિસેમ્બર મહિનામાં ધોલેરા ખાતે યોજાનાર મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા માટે સમસ્ત સત્સંગ સમાજ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમનું સંચાલન ડૉ. સંતવલ્લભ સ્વામીએ અને સ્વાગત પ્રવચન નૌતમ સ્વામીએ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય કોઠારી દેવસ્વામી, SGVP સંસ્થાના માધવપ્રિયદાસજી સ્વામી, ગઢડા મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી, જુનાગઢના પી.પી. સ્વામી અને સાળંગપુરના વિવેક સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, વડતાલ નિશુલ્ક હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને પત્રકારત્વ જગતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને યુવા સ્વયંસેવકો દ્વારા સંભાળવામાં આવી હતી.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
