તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
News of Thursday, 5th March 2026
માનવતા માટે જીવતા સંતો દેશની સાચી મૂડી અને આધારસ્તંભઃ રાજયપાલ
શાંતિગ્રામ ગુરૃકુલમાં ભૂમિપૂજન પ્રસંગે આચાર્ય દેવવ્રતજીનું ઉદબોધનઃ વિદ્યાદાનને સૌથી વધુ મૂલ્યવાન દાન ગણાવ્યું ઃ ગુરૃકુલોમાં શિક્ષિત થયેલા શિષ્યો વિશ્વના ખૂણે-ખૂણે ભારતીય સંસ્કૃતિની સુવાસ પ્રસરાવી રહયા છે ઃ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા

રાજકોટ ગુરૃકુલની શાંતિગ્રામ ગુરૃકુલ અમદાવાદ શાખામાં સહજાનંદમ ભવનના ઉદઘાટન પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા, શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભસ્વામી, શ્રી કૃષ્ણપ્રિય સ્વામી, હરીભકત શ્રી રાકેશભાઇ દુધાત વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ, તા., પઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ અમદાવાદ ખાતે ૩ માર્ચે આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહી ભૂમિપૂજન વિધિમાં પણ સહભાગી બન્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રીએ ગુરુકુલના અત્યાધુનિક ડિજિટલ પુસ્તકાલય અને સ્માર્ટ કલાસરૃમનું નિરીક્ષણ કરી શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના સમન્વયને રૃબરૃ નિહાળ્યું હતું. રાજ્યપાલશ્રીના હસ્તે સહજાનંદમ ભવનનું ભૂમિપૂજન શાસ્ત્રોકત વિધિથી સંપન્ન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગેજણાવ્યું હતું કે, જે ગુરુકુળ સંસ્કૃતિ છે તે સંતો અને દાનવીરો દ્વારા જ જીવિત છે. વર્તમાન સમયમાં શિક્ષણના નામ પર આપણે બાળકોને માત્ર અક્ષરજ્ઞાન અથવા ઉપરછલ્લી જાણકારી આપી રહ્યા છીએ. જે રીતે માનવ નિર્માણ થવું જોઈએ અને જે રીતે બાળકોમાં સંસ્કારનું સિંચન થવું જોઈએ.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, દેશમાં શિક્ષણનું માધ્યમ આદિકાળથી ગુરુકુળ જ રહ્યું છે. બાળક માટે પ્રથમ કુળ તેના માતા-પિતા છે અને જ્યારે તે પાંચ-છ વર્ષનું થાય ત્યારે તેને ગુરુકુળમાં મૂકવામાં આવે છે. આ દેશમાં પ્રાચીન રાજકીય વ્યવસ્થા પણ એવી જ હતી કે બાળક છ વર્ષ પછી માતા-પિતા સાથે ન રહેતા ગુરુકુળમાં જ રહે. જે દેશમાં આવી વ્યવસ્થા હોય અને નાનપણથી જ બાળકને સંસ્કૃતિ તથા સભ્યતાનું જ્ઞાન આપવા ગુરુકુળમાં મૂકવામાં આવતું હોય છે.
સભ્યતા અને સંસ્કારનો ભેદ સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભૌતિક વિકાસ એ સભ્યતાનો સૂચક છે. ભારતે આ બાબતે ક્યારેય વિરોધ કર્યો નથી. સભ્યતા એ માત્ર બાહ્ય દેખાવ છે, જ્યારે સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે.
શરીરમાં પ્રાણ અને સંસારમાં પરમાત્મા એ જ સત્ય છે. શરીર વગર આત્મા રહી શકે છે, પરંતુ આત્મા વગર શરીર ક્યારેય રહી શકતું નથી. તે જ રીતે પરમાત્મા વિશ્વ વગર રહી શકે છે, પણ વિશ્વ પરમાત્મા વગર ક્યારેય નહીં. આ બાબત સમજાવી રાજ્યપાલશ્રીએ બંને વસ્તુઓ આવશ્યક હોવા છતાં સંસ્કૃતિ પર વધુ ભાર મૂક્યો હતો.
ગુરુકુળમાં બાળક તપસ્વી બની ગુરુના ચરણોમાં આ જ્ઞાન મેળવતું હતું. ધ્યાન, કૃપા, સંતુષ્ટિ, સહિષ્ણુતા, પ્રેમ અને ઉદારતા સાથે દુનિયાને સુખી કરવાની ભાવના એ જ ભારતના ગુરુકુળોનો ઉદ્દેશ્ય છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પોતાના માટે જીવવાના બદલે માનવતા માટે જીવવાનું જેમણે લક્ષ્ય બનાવ્યું છે, તેવા સંતો જ આ દેશની સાચી પૂંજી અને આધારસ્તંભ છે. દુનિયામાં દાનનું ખૂબ મહત્વ છે, પરંતુ વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે; કારણ કે જ્યારે એક બાળક શિક્ષણ મેળવી સંસ્કારી બને છે, ત્યારે તેના થકી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે. આ તમામ મૂલ્યો આવનારી પેઢી સંતોના ચરણોમાં બેસીને ગુરુકુળના માધ્યમથી શીખશે.
વ્યકિતએ કર્મયોગી બની દુનિયામાં સુખ, સમૃદ્ધિ અને સરળતા ઉપરાંત આધ્યાત્મ સાથે જોડાયેલા રહેવું જરૃરી છે. માત્ર સાત બાળકોથી શરૃ થયેલી એક ગુરુકુળની શાખા આજે ૭૦ જેટલી સંસ્થાઓમાં પરિવર્તિત થઈ છે, જે વિશ્વભરના બાળકોમાં જ્ઞાન પ્રસરાવી વિશ્વકલ્યાણની ભાવના સાથે કાર્ય કરી રહી છે.
જે લોકો કલ્યાણના માર્ગે ચાલી માનવતાવાદી બન્યા છે, તેઓને જ આજે વિશ્વ યાદ રાખે છે. આ તમામ ગુણો ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ સંતો તથા દાનવીરોને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
આ શુભ અવસરે ઉપસ્થિત સંતો, દાતાઓ અને હરિભકતોને ણામ કરતા રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આ ભવનનું નિર્માણ એ આપણી સંસ્કૃતિના જતનનું એક પવિત્ર યજ્ઞકાર્ય છે. આવા યજ્ઞો સતત પ્રજ્વલિત રહે છે, જેના પરિણામે આપણી સંસ્કૃતિ આજે વિશ્વભરમાં ઝળહળી રહી છે. ઇતિહાસમાં આપણી સંસ્કૃતિ પર અનેક આક્રમણો થયા હોવા છતાં, આવા સેવા-યજ્ઞોને કારણે જ તેને કોઈ નષ્ટ કરી શક્યું નથી.
ગુજરાતના ગુરુકુળોમાં શિક્ષિત થયેલા શિષ્યો આજે આહાર-વિહારથી લઈ સંસ્કૃતિના તમામ નિયમોનું પાલન કરીને વિશ્વના ખૂણેખૂણે ભારતીય સંસ્કારોની સુવાસ ફેલાવી રહ્યા છે. આ અવસરે તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યું હતું કે, વિકાસ ભલે વિશ્વભરમાં થતો રહે, પરંતુ સાચી સંસ્કૃતિ તો માત્ર ભારતમાં જ છે. આ સાથે તેમણે દાદા ખાચરના સમર્પણની વાત કરી, ઉપસ્થિત હરિભકતોને આવાં શુભ કાર્યો માટે પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ તકે પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદદાસ સ્વામીજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત હરિભકતો અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા તથા આ અવસરે શાબ્દિક સ્વાગત શ્રી હરિ ગ્રુપના રાકેશભાઈ દુધાત દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા ભૂમિદાતા અને યજમાનશ્રીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
