તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
ધૂળેટી પર ઈમરજન્સી કેસોમાં ઉછાળોઃ રાજ્યમાં ૩,૭૯૬ કેસ
સામાન્ય દિવસ કરતાં ૧૬% વધારોઃ તહેવારના દિવસે માર્ગ અકસ્માતો, મારામારી અને અન્ય તબીબી ઇમરજન્સીના બનાવોને કારણે આ વધારો નોંધાયો

અમદાવાદ તા.૫: રાજ્યભરમાં ગઇકાલે ધૂળેટીના પર્વની રંગીન ઉજવણી વચ્ચે ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઇકાલે સાંજ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ ૩૭૯૬ ઈમરજન્સી કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ ૩૨૬૬ કેસ નોંધાતા હોય છે. એટલે કે ગઇકાલે ધૂળેટીના દિવસે ગુજરાતમાં ૫૩૦ વધુ કેસ નોંધાયા હતા. જે અંદાજે ૧૬.૨૨ ટકા વધારાને દર્શાવે છે. તહેવારના દિવસે માર્ગ અકસ્માતો, મારામારી અને અન્ય તબીબી ઇમરજન્સીના બનાવોને કારણે આ વધારો નોંધાયો હોવાનું માનવામાં આવે છે.
જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ ૭૨૩ કેસ નોંધાયા હતા. સુરતમાં ૪૫૫ કેસ સાથે ૫૦.૯૩ ટકા નો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. વડોદરામાં ૧૯૫, રાજકોટમાં ૧૯૧ અને દાહોદમાં ૧૩૯ કેસ નોંધાયા છે. વલસાડ (૧૩૫), કચ્છ (૧૩૪), ભાવનગર (૧૧૦), જામનગર (૧૦૪) અને ગાંધીનગર (૯૪) સહિત અનેક જિલ્લાઓમાં સામાન્ય દિવસો કરતા વધારે કેસ સામે આવ્યા છે. ટકાવારી મુજબ અરવલ્લીમાં સૌથી વધુ ૬૩.૩૯ ટકા વધારો નોંધાયો છે. બીજી તરફ જૂનાગઢ, આણંદ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ કેસોમાં ઘટાડો પણ નોંધાયો છે.
અન્ય જિલ્લાઓમાં પણ ઈમરજન્સી કેસોની સંખ્યા ઉંચી રહી છે. પંચમહાલમાં ૮૮, તાપી અને છોટાઉદેપુરમાં ૮૭-૮૭, ભરૂચમાં ૮૬, ખેડામાં ૮૪ અને મોરબીમાં ૮૩ કેસ નોંધાયા છે. અમરેલી (૮૦), બનાસકાંઠા (૭૯), મહેસાણા (૭૮), સાબરકાંઠા (૭૫), નવસારી (૬૦), મહીસાગર અને નર્મદા (૫૭-૫૭), પાટણ (૪૭), ડાંગ અને પોરબંદર (૪૪-૪૪), ગીર સોમનાથ (૩૮) તથા બોટાદમાં સૌથી ઓછા ૨૩ કેસ નોંધાયા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને તહેવારો દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
