News of Wednesday, 4th March 2026
અરવલ્લીના બાઠીવાડામાં અનોખી પરંપરા: પૂનમે નહીં પણ ધુળેટીએ પ્રગટે છે 'દેશની પાંચમી મોટી હોળી', માટીના લાડુથી નક્કી થાય છે ખેતીનું ભવિષ્ય
હજારો લોકોએ પરંપરાગત ગણવેશમાં ધુળેટીએ હોળી પ્રગટાવી, મંત્રી અને સાંસદ પણ ઢોલના તાલે ઝૂમ્યા

મેઘરજ (અરવલ્લી):
સમગ્ર દેશમાં જ્યારે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનું દહન કરવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું બાઠીવાડા ગામ પોતાની વર્ષો જૂની અને ભાતીગળ પરંપરાને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીએ હોળી પ્રગટાવવાની અનોખી રીત પ્રચલિત છે, જેમાં આસપાસના ૧૨ મુવાડાના અંદાજે ૧૦ થી ૧૨ હજાર લોકો ઉમટી પડે છે.
માત્ર ૧૦ મિનિટમાં તૈયાર થાય છે હોળીનો થર
આ ઉત્સવની વિશેષતા એ છે કે, સમાજના મુખી દ્વારા હોળીની વિધિવત પૂજા કર્યા બાદ, ગણતરીની ૧૦ મિનિટમાં જ લાકડાનો વિશાળ થર તૈયાર કરી દેવામાં આવે છે. પરંપરાગત ગણવેશમાં સજ્જ ઠાકોર સમાજના અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઢોલ-ત્રાંસાના તાલે અને લાઠીઓ સાથે હોળીના ગીતો ગાતા 'ઘેર' રમે છે. સમાજના આગેવાનો સળગતા કાકડા હાથમાં લઈ અત્યંત ઝડપથી પ્રદક્ષિણા કરી હોળી પ્રજ્વલિત કરે છે.
ખેતીનો વરતારો અને આસ્થા
બાઠીવાડાની આ હોળી માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પણ ખેડૂતો માટે ભવિષ્યના સંકેત સમાન છે:
* ભેજ પરથી વરતારો: હોળી પ્રગટાવતા પહેલા જમીનમાં ખાડો ખોદી ચાર માટીના લાડુ અને કુંભ મુકવામાં આવે છે. હોળી ઠંડી પડ્યા બાદ આ લાડુ અને કુંભમાં રહેલા ભેજ પરથી આગામી વર્ષે ખેતી કેવી રહેશે અને વરસાદ કેવો પડશે તેનો વરતારો કાઢવામાં આવે છે.
* શ્રીફળની આહુતિ: હજારોની સંખ્યામાં લોકો છુટા હાથે શ્રીફળની આહુતિ આપી દર્શનનો લાભ લે છે.
મંત્રી અને સાંસદની પ્રેરક ઉપસ્થિતિ
દેશની પાંચમી સૌથી મોટી હોળી તરીકે ખ્યાતિ પામેલા આ ઉત્સવમાં રાજ્ય મંત્રી પી.સી. બરંડા અને સાંસદ શોભનાબેન બારૈયાએ પણ ખાસ હાજરી આપી હતી. મંત્રી અને સાંસદે પોતે ઢોલ વગાડી ગ્રામજનો સાથે ઉત્સવની ઉજવણી કરી હતી અને રાજ્યના લોકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
જૂના વેરઝેર ભૂલીને એકતાના પ્રતીક સમાન આ તહેવાર ઉજવવા માટે વિદેશ વસતા ગ્રામજનો પણ ખાસ માદરે વતન આવે છે, જે આ પરંપરાની લોકપ્રિયતા દર્શાવે છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
