<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

મોબાઈલની લતે બે જિંદગી હોમી:અમદાવાદમાં નારણપુરા ફાટક પાસે ટ્રેન નીચે કચડાઈ જતાં બેના કરૂણ મોત

ફોન પર વાત કરવામાં મશગૂલ રહેવું જાનલેવા સાબિત થયું; આદર્શ નગર પોલીસ ચોકી પાસે સર્જાયેલી ઘટનાથી અરેરાટી

અમદાવાદ: શહેરના ભરચક વિસ્તાર એવા નારણપુરામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે કાળમુખો સાબિત થઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.


મળતી વિગતો અનુસાર, નારણપુરા રેલવે ફાટક પાસે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે વાતાવરણ ચીસબારીઓથી ગુંજી ઉઠ્યું હતું. મૃતકો પૈકી એકની ઓળખ 47 વર્ષીય સત્યજિત શ્રીમાળી તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સત્યજિત ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમનો મોબાઈલ ફોન ચાલુ હતો અને તેઓ કોઈની સાથે વાતચીતમાં ગળાડૂબ હતા.
ફોન પરની વાતચીતમાં ધ્યાન હોવાથી પાછળથી આવી રહેલી ટ્રેનનો હોર્ન કે અવાજ તેઓ સાંભળી શક્યા નહોતા. ક્ષણભરની આ બેદરકારીમાં ટ્રેન તેમને અડફેટે લઈ ગઈ હતી. આ અકસ્માતમાં સત્યજિતની સાથે અન્ય એક વ્યક્તિનું પણ કરૂણ મોત નીપજ્યું છે, જેના કારણે બે પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(2:31 PM IST)