તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
ભાજપે જિલ્લા અને મોરચા પ્રભારીઓ જાહેર કર્યાઃ મહામંત્રીઓને ઝોન ઉપરાંત મહાનગરો સોંપ્યા
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીને જામનગર શહેરની જવાબદારી સોંપવામાં આવી : રાજકોટ મહાનગરના પ્રભારી તરીકે સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સંભાળતા ધારાસભ્ય અને મહામંત્રી અનિરુદ્ધ દવેના શીરે

અમદાવાદ,તા.૩: ભારતીય જનતા પાર્ટી, ગુજરાતે તેના જિલ્લા અને વિવિધ મોરચાઓના પ્રભારીઓ તરીકે ૪૯ આગેવાન કાર્યકરોને જવાબદારી સોંપી છે. જેમાં ચારેય ઝોનના મહામંત્રીઓને સંબંધિત ઝોનના મહાનગરોના પ્રભારી બનાવાયા છે. અમદાવાદ મહાનગરની જવાબદારી ઉત્તર ઝોનના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે જાહેર કરેલા ૪૨ જિલ્લા પ્રભારીઓમાં દક્ષિણ ઝોનના મહામંત્રી પ્રશાંત કોરાટને સુરત મહાનગરના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ છે તેમના શીરે મુખ્ય મથકની જવાબદારી પણ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સંભાળતા ધારાસભ્ય અને મહામંત્રી અનિરુદ્ધ દવેના શીરે રાજકોટ મહાનગરના પ્રભારી બનાવાયા છે. આ જ રીતે મધ્ય ઝોનના હિતેન્દ્રસિંહ ચૌહાણને વડોદરા મહાનગર સોંપવામાં આવ્યું છે. આ સિવાય પ્રદેશ મંત્રી નિરવ અમીનને ગાંધીનગર શહેર સોંપવામાં આવ્યું છે. પ્રદેશ ઉપપ્રમુખ ગૌતમ ગેડીયાને સુરત જિલ્લો સોંપાયો છે. નોંધનીય છે કે પ્રદેશમાં મહત્ત્વની જવાબદારીની અપેક્ષા હતી, પરંતુ સ્થાન ન મળવા છતાં પૂર્વ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલને વડોદરા જિલ્લાના પ્રભારી બનાવાયા છે. આ સિવાય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીને જામનગર શહેરની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મંત્રી વર્ષા દોશીને આણંદ જિલ્લો સોંપવામાં આવ્યો છે. જ્યારે વડોદરાના ડો. ભરત ડાંગરને મહેસાણા જિલ્લો સોંપાયો છે. અમદાવાદ જિલ્લામાં સંગઠનમાં સક્રિય એવા હર્ષદગીરી ગોસાઇને ભાવનગર જિલ્લાના પ્રભારી બનાવાયા છે.
આ જ રીતે સાત મોરચાના પ્રભારીઓમાંથી ચાર ઉપપ્રમુખને ચાર મોરચા સોંપાયા છે એમાં ઉપપ્રમુખ ભરત પંડ્યાને કિસાન મોરચો, રસિકભાઇ પ્રજાપતિને લઘુમતી મોરચો, ઓબીસી મોરચો નટુજી ઠાકોર, એસ.ટી. મોરચો ગીતાબેન રાઠવાને સોંપાયો છે. આ ઉપરાંત યુવા મોરચાના પ્રભારી તરીકે જૂનાગઢ જિલ્લાના કિરીટ પટેલ, વડોદરાના શબ્દશરણ બ્રહ્મભટ્ટને મહિલા મોરચો તેમજ સાબરકાંઠાના હિતેશ પટેલને એસ.સી. મોરચો સોંપવામાં આવ્યો છે.
અહીં નોંધવું જરૂરી છે કે આગામી બે માસમાં મિની વિધાનસભા સમાન ગણાતી જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાનાર છે. આના માટેની તૈયારીઓની કામગીરી અત્યારથી જ પ્રભારીઓએ હાથ ધરવાની રહેશે.
હાલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ ફરીથી જિલ્લાઓના પ્રવાસ શરૂ કર્યા છે. આ જ રીતે તમામ પ્રભારીઓને પણ સંબંધિત જિલ્લા, મહાનગરોમાં જઇ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે પરિચય બેઠક બાદ પ્રવાસો શરૂ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મોરચાઓના પ્રભારીઓને મોરચાની સ્થાનિક સ્તરે સક્રિયતા કેવી રીતે વધે તેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
