<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

મહાનગર પાલીકાઓની ચુંટણીની તૈયારીઓ શરૂ : તમામ વોર્ડ માટે R.O.-ARO ના નામો જાહેર : રાજકોટમાં બે મામલતદારને જવાબદારી

રાજકોટ-અમદાવાદ-સુરત સહિત કુલ ૧પ કોર્પોરેશનની ચુંટણી માટે તંત્ર સજ્જ

ગાંધીનગર, તા., રપઃ ગુજરાત રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્‍યની વિવિધ મહાનગરપાલિકાઓની આગામી સામાન્‍ય ચૂંટણીઓ માટે વહીવટી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ભારતના સંવિધાનના અનુચ્‍છેદ ૨૪૩ વ.ક અને ગુજરાત પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ હેઠળ મળેલી સત્તાની રૂએ આયોગે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એક મહત્‍વનો હુકમ જાહેર કર્યો છે. આ હુકમ અન્‍વયે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર, આણંદ (કરમસદ), ગાંધીધામ, નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્‍દ્રનગર, મોરબી અને વાપી મહાનગરપાલિકાઓના વિવિધ વોર્ડ માટે ચૂંટણી અધિકારી (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારી (ARO) ની નિમણૂક કરવામાં આવી છે.

મુખ્‍ય શહેરોમાં વોર્ડવાર અધિકારીઓની વરણી

 અમદાવાદઃ અહીં વોર્ડ ૧, ૨, ૭ માટે સીટી ડેપ્‍યુટી કલેકટર (પヘમિ) ને ચૂંટણી અધિકારી અને મામલતદાર, ઘાટલોડીયાને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્‍ત કરાયા છે. વોર્ડ ૩, ૪, ૫ માટે અધિક ચીટનીશ કલેકટર કચેરી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) ને જવાબદારી સોંપાઈ છે. આ જ રીતે શહેરના કુલ ૪૮ વોર્ડ માટે અલગ-અલગ ડેપ્‍યુટી કલેકટર, મામલતદાર અને સીટી સર્વે સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટની વરણી કરવામાં આવી છે.

રાજકોટના વોર્ડ ૧ થી ૩ માટે નાયબ કલેકટર, સ્‍ટેમ્‍પ ડયુટી (ગ્રામ્‍ય) અને મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) ની નિમણૂક કરાઈ છે. વોર્ડ ૧૬ થી ૧૮ માટે નાયબ કલેકટર, રૂડા (RUDA) અને મામલતદાર (પヘમિ) જવાબદારી સંભાળશે.

સુરતના ૨ થી ૩૦ વોર્ડ માટે નાયબ કલેકટર (સીટી પ્રાંત), ખાસ જમીન સંપાદન અધિકારી અને જિલ્લા આયોજન અધિકારી જેવા ઉચ્‍ચ અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે તૈનાત કરાયા છે. મદદનીશ તરીકે વિવિધ વિસ્‍તારના મામલતદારો અને સીટી સર્વે સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટને આદેશ અપાયા છે.

 વડોદરાઃ વોર્ડ ૧ થી ૧૯ માટે નાયબ કલેકટર (સ્‍ટેમ્‍પ ડયુટી), ખાસ જમીન સંપાદન અધિકારી (નર્મદા) અને પ્રાંત અધિકારી વડોદરા (શહેર) સહિતના અધિકારીઓ કાર્યરત રહેશે.

અન્‍ય મહાનગરપાલિકાઓની સ્‍થિતિઃ

જામનગરમાં પ્રાંત અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીને જવાબદારી સોંપાઈ છે. આણંદ-કરમસદમાં પ્રાંત અધિકારી અને નાયબ પશુપાલન નિયામક RO તરીકે રહેશે. ગાંધીધામમાં નાયબ બાગાયત નિયામક અને જિલ્લા પુરવઠા અધિકારીને જવાબદારી અપાઈ છે. નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્‍દ્રનગર, મોરબી અને વાપીમાં પણ પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરોને ચૂંટણી અધિકારી તરીકે તથા સંબંધિત મામલતદારોને મદદનીશ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

કડક પાલન અને અમલીકરણ

રાજ્‍ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલે આ હુકમની નકલ તમામ સંબંધિત કલેક્‍ટર, મ્‍યુનિસિપલ કમિશનર અને સચિવાલયના વિવિધ વિભાગોને રવાના કરી છે. આ હુકમ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સરકારી રાજ્‍યપત્ર (ગેઝેટ) માં પ્રસિદ્ધ કરવા માટે પણ સૂચના અપાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે નિયુક્‍ત થયેલા તમામ અધિકારીઓને તાત્‍કાલિક અસરથી પોતાની જવાબદારી સમજવા અને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્‍યું છે.

(11:39 AM IST)