<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સુરતના જાણીતા સંગીની ગ્રુપ પર ઈન્‍કમટેક્‍સના દરોડા બિલ્‍ડર લોબીમાં ફફડાટ

સર્ચ ઓપરેશન શરૂ : આ દરોડામાં મુખ્‍ય ભાગીદારો સહિત અનેક સ્‍થળોને આવરી લેવાયા

 

સુરત, તા.૨૫: હીરા નગરી સુરતમાં રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા સંગીની ગ્રુપ  પર આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. આ દરોડામાં ગ્રુપના મુખ્‍ય ભાગીદારો સહિત અનેક સ્‍થળોને આવરી લેવામાં આવ્‍યા છે.

ટાર્ગેટ, તપાસના મુખ્‍ય કેન્‍દ્રમાં સંગીની ગ્રુપના બિલ્‍ડર સંજય સંગાણી અને મહેશ સંગાણી હોવાનું જાણવા મળ્‍યું છે. આ ઉપરાંત અન્‍ય ભાગીદારો અને તેમની સાથે જોડાયેલા નાણાકીય વ્‍યવહારોની પણ તપાસ ચાલી રહી છે.

સ્‍થળ, સુરતના વેસુ, પીપલોદ અને અડાજણ સહિતના વિસ્‍તારોમાં આવેલી સંગીની ગ્રુપની ઓફિસો, રેસિડેન્‍શિયલ પ્રોજેક્‍ટ્‍સ અને સંચાલકોના નિવાસસ્‍થાને ટીમો ત્રાટકી છે.

અધિકારીઓનો કાફલો, આ ઓપરેશનમાં સુરત આઇટીની ડીડીઆઈ  વિંગના અધિકારીઓ સાથે અન્‍ય શહેરોની ટીમો પણ જોડાઈ હોવાના અહેવાલ છે. અંદાજે ૧૫થી વધુ સ્‍થળો પર એકસાથે તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસનો હેતુ, પ્રાથમિક અહેવાલો મુજબ, જમીનના મોટા સોદાઓમાં થયેલા બિનહિસાબી વ્‍યવહારો, ટેક્‍સ ચોરી અને પ્રોજેક્‍ટ્‍સમાં રોકાણ કરેલા નાણાંનાસ્ત્રોત અંગે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીને પગલે સુરતના અન્‍ય મોટા બિલ્‍ડરો અને ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્‍યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સંગીની ગ્રુપ અગાઉ પણ આવકવેરાના રડારમાં આવી ચૂકયું છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી સત્તાવાર આંકડાઓ તપાસના અંતે જ જાહેર થશે. (રર.૭)

(11:05 AM IST)