તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
ગાંધીનગરમાં નિવૃત્ત માહિતી પરિવારનું ભવ્ય સ્નેહમિલન યોજાયું: નવા પ્રમુખ તરીકે ધીરુ કોટવાલ અને ઉપપ્રમુખ પદે નટુભાઈ પરમાર તથા પુલક ત્રિવેદીની વરણી
વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી નિયામક જ્યોતીન્દ્રભાઈ દવેના અધ્યક્ષ સ્થાને ૭૦ વર્ષની વયના કર્મયોગીઓનું કરાયું બહુમાન; કિર્તીભાઈ પરમાર મહામંત્રી અને બચુભાઈ વાણવી ખજાનચી તરીકે નિયુક્ત

ગાંધીનગર:
ગાંધીનગરના સેક્ટર-૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નિવૃત્ત માહિતી પરિવારનું સ્નેહમિલન અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયું હતું. વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી નિયામક શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં માહિતી ખાતાના નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વરિષ્ઠ કર્મયોગીઓનું સન્માન અને શ્રદ્ધાંજલિ
કાર્યક્રમના પ્રારંભમાં માહિતી ખાતાના દિવંગત અધિકારીઓ અને કર્મચારીઓના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ, માહિતી ખાતામાં સેવા આપી નિવૃત્ત થયેલા ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ કર્મયોગી મિત્રોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી અને સ્મૃતિચિન્હ આપીને સવિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ આ સંગઠનને માત્ર મંડળ નહીં પણ એક 'પરિવાર' ગણાવ્યો હતો, જે મૈત્રીપૂર્ણ બંધનથી જોડાયેલો છે.
નવી કારોબારીની સર્વાનુમતે વરણી
સ્નેહમિલન દરમિયાન આગામી સમય માટે નિવૃત્ત માહિતી પરિવારની નવી કારોબારીની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી, જેની વિગતો નીચે મુજબ છે:
* પ્રમુખ: શ્રી ધીરુ કોટવાલ
* ઉપપ્રમુખ: શ્રી નટુભાઈ પરમાર અને શ્રી પુલક ત્રિવેદી
* મહામંત્રી: શ્રી કિર્તીભાઈ પરમાર
* મંત્રી: શ્રી એલ. આર. રાજપૂત અને શ્રી મયુરભાઈ શાહ
* ખજાનચી: શ્રી બચુભાઈ વાણવી અને શ્રી હેમાંગભાઈ દોશી
* સંગઠન મંત્રી: શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી ગીરીશભાઈ મારુ, શ્રી જયેશભાઈ દવે, શ્રી ભરતભાઈ કાનકડ, શ્રી જગદીશભાઈ સત્યદેવ અને શ્રી સંજયભાઈ શાહ
* મહિલા સંગઠન મંત્રી: શ્રીમતી શકુન્તલાબેન ગોર અને શ્રીમતી હિરલબેન ત્રિવેદી
* કારોબારી સભ્યો: શ્રીમતી સ્વાતિબેન રામાણી, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી મિનેશ ત્રિવેદી અને શ્રી રતિલાલ તૂરી
* વરિષ્ઠ પરામર્શક: શ્રી જ્યોતિન્દ્રભાઈ દવે, શ્રી પ્રકાશભાઈ લાલા, શ્રી હર્ષદભાઈ ઠાકર, શ્રીમતી શકુંતલાબેન ગોર અને શ્રી આર. પી. નાયક
અહેવાલ અને રચનાત્મક સૂચનો
કાર્યક્રમમાં નિવૃત્ત માહિતી પરિવારના પૂર્વ પ્રમુખ શ્રી આર. પી. નાયકે મંડળની પ્રવૃત્તિઓ અને ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના શ્રી અનિલ પટેલે સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ અવસરે હર્ષદભાઈ ઠાકર, મનોજભાઈ દવે, વિનોદ મેસરીયા, પ્રજ્ઞાબેન પટેલ, જગદીશ સત્યદેવ અને દિનેશ ચૌહાણે પરિવારના ઉત્કર્ષ માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રીમતી શકુંતલાબેન ગોર અને સ્વાતિબેન રામાણીએ પ્રાર્થના કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન શ્રી પુલક ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
