તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
ગુજરાતમાં હવે‘ટેન્કર રાજ'નહીં પણ‘નર્મદા રાજ': હર્ષ સંઘવી
વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રીનું સંબોધન : વિકસિત ગુજરાતનો રોડમેપઃ દસ વર્ષમાં બે લાખ સરકારી ભરતી અને ગરીબો માટે ત્રણ લાખથી વધુ નવા આવાસની જાહેરાત

ગાંધીનગરઃ તા.૨૪: ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં રાજ્યપાલના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રીહર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલનું સંબોધન એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત બનાવવાના સંકલ્પનો પવિત્ર દસ્તાવેજ છે. આ અભિભાષણ ગુજરાતના ભૂતકાળનો પ્રતિભાવ અને ભવિષ્યનો માર્ગ નકશો (રોડમેપ) છે.
ભૂતકાળની સરખામણી કરતા તેમણે કહ્યું કે, વીસમી સદીમાં કોંગ્રેસ શાસિત ગુજરાતની ઓળખ કરફયુ અને કોમી રમખાણો પૂરતી મર્યાદિત હતી. વર્ષ બે હજાર એકમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂકાન સંભાળ્યા બાદ રાજ્યમાં કાયમી શાંતિ સ્થપાઈ છે. આજે કરફયુ શબ્દ ગુજરાતમાંથી ભૂંસાઈ ગયો છે અને દીકરીઓ અડધી રાત્રે પણ નિર્ભયતાથી ફરી શકે છે. જે પથ્થરો પહેલા રમખાણોમાં ફેંકાતા હતા, આજે તેનો ઉપયોગ વિશ્વકક્ષાની હોસ્પિટલો અને યુનિવર્સિટીઓના નિર્માણ માટે થઈ રહ્યો છે. સરકારની યોજનાઓની વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પોણા ચાર કરોડ જેટલા નાગરિકોને વિનામૂલ્યે અનાજ અપાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં દસ લાખથી વધુ લોકોને પાકા ઘર આપ્યા બાદ, આ વર્ષે વધુ ત્રણ લાખ પંદર હજાર નવા આવાસો આપવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત આયુષ્માન ભારત-મા કાર્ડ હેઠળ સવા બે કરોડથી વધુ નાગરિકોને દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવી છે.
યુવા વિકાસ અંગે જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે,તા.૧૯ના રોજ ગુજરાતે એક લાખથી વધુ એમ.એસ.એમ.ઈ. એકમો પ્રમાણિત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આગામી દસ વર્ષ માટે બે લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવાનું ભરતી કેલેન્ડર જાહેર કરાયું છે.
ખેડૂતો વિશે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, હવે ગુજરાતમાં ‘ટેન્કર રાજ' નહીં પણ ‘નર્મદા રાજ' છે. અંતમાં તેમણે વિપક્ષના નકારાત્મક વલણની ટીકા કરતા જણાવ્યું કે ભાજપ સરકાર માત્ર ‘વિકાસની રાજનીતિ' માં માને છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
