તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
પોતાની મરજીથી લગ્ન કરવાની ઈચ્છા એ માતાને આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી
સાવકી માતાને મરવા માટે મજબૂર કરવાના આરોપમાંથી કોર્ટે પુત્રને મુક્ત કર્યો

અમદાવાદ તા.૨૪: પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખવી એ કોઈ ગુનો નથી અને તેના કારણે જો સાવકી માતા આત્મહત્યા કરે, તો તેને પુત્ર દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણી ગણી શકાય નહીં. અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સાવકી માતાને મરવા માટે મજબૂર કરવાના આરોપમાં પુત્રને તમામ આરોપોમાંથી મુક્ત (ડિસ્ચાર્જ) કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે અવલોકન કર્યું કે આરોપી વિરુદ્ધ કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા કે આધાર નથી. આ સંજોગોમાં નિર્દોષ વ્યક્તિને ટ્રાયલનો સામનો કરવા મજબૂર કરી શકાય નહીં. પરિણામે, કોર્ટે ધવલ પરમારને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો છે.
વર્ષ ૨૦૧૮માં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સુશીલાબેન નામની મહિલાની આત્મહત્યા અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં આક્ષેપ હતો કે મૃતકનો સાવકો પુત્ર ધવલ પરમાર પડોશમાં રહેતી અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો. સાવકી માતા આ લગ્નની વિરુદ્ધમાં હોવાથી ઘરમાં કૌટુંબિક કલેશ થતો હતો. આ ત્રાસથી કંટાળીને માતાએ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરી પુત્ર વિરુદ્ધ કલમ ૩૦૬ અને ૪૯૮(A) હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ધવલ પરમારે ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, મે કોઇ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરી નથી, મારી સામે ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે, મારી સામે એક પણ પુરાવો નથી, ત્યારે કોર્ટે મને તમામ આરોપોમાંથી મુક્ત કરવો જોઇએ. આ કેસના તમામ પાસાઓને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે સાવકા પુત્ર ધવલને તેની માતાના આપઘાત કેસના તમામ આરોપોમાંથી મુક્ત કર્યો છે.
એડિશનલ સેશન્સ જજ પરિમલ પી. પટેલે આરોપી ધવલ પરમારની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપી એક પુખ્ત વયનો યુવક છે અને તેને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર છે. જો માતા લગ્નથી નારાજ હોય તો ઘરમાં સામાન્ય બોલાચાલી કે ઝઘડો થવો એ કુદરતી પરિણામ છે, તેને શારીરિક કે માનસિક ત્રાસ ગણી શકાય નહીં. આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે આરોપીનો ઈરાદો (Mens Rea) હોવો જરૂરી છે. આ કેસમાં પુત્રએ માતાને મરવા માટે મજબૂર કરી હોય તેવું કોઈ જ સીધું પ્રમાણ કે કડી મળતી નથી. ફરિયાદીએ પ્રથમ નિવેદનમાં માત્ર પતિ સામે આક્ષેપ કર્યા હતા, પરંતુ બીજા દિવસે આપેલા નિવેદનમાં પુત્ર અને પુત્રીના નામ જોડીને વાર્તામાં સુધારો કર્યો હોવાનું કોર્ટને જણાયું હતું.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
