<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સાવલીના લામડાપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક પર દારૂ પી ને આવવાના આક્ષેપ:ગ્રામજનોએ કરી તાળાબંધી

ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિદ્યાર્થીઓને બહાર કાઢી ગ્રામ પંચાયતના રૂમમાં બેસાડતાં સમગ્ર તાલુકાના શિક્ષણ તંત્રમાં ચકચાર મચી

વડોદરા : સાવલી તાલુકાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક વિરુદ્ધ દારૂ પી ને શાળામાં આવવાના ગંભીર આક્ષેપોને લઈને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાના પગલે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિદ્યાર્થીઓને બહાર કાઢી ગ્રામ પંચાયતના રૂમમાં બેસાડતાં સમગ્ર તાલુકાના શિક્ષણ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ, લામડાપુરા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રકાશ રાઠવા વિરુદ્ધ ગ્રામજનો લાંબા સમયથી અસંતોષ વ્યક્ત કરતા હતા. ગ્રામજનોના આક્ષેપ મુજબ મુખ્ય શિક્ષક શાળામાં નશાની હાલતમાં આવતા હતા, જેના કારણે શૈક્ષણિક વાતાવરણ પર પ્રતિકૂળ અસર પડી રહી હતી. આ ઉપરાંત પીવાના પાણીની અછત, સ્વચ્છતા સંકુલની યોગ્ય સફાઈ ન થવી, વિદ્યાર્થીઓની સ્કોલરશીપની દરખાસ્તોમાં ઉદાસીનતા સહિતના મુદ્દાઓને લઈને પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

વારંવાર રજૂઆતો છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ અંતે ઉગ્ર પગલું ભર્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો શાળામાં પહોંચ્યા, વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તાત્કાલિક વ્યવસ્થામાં તેમના અભ્યાસ માટે ગ્રામ પંચાયતના રૂમમાં બેસાડ્યા હતા. ત્યારબાદ શાળાના મુખ્ય દરવાજાને તાળું મારી 112 પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. મામલો પોલીસ મથકે પહોંચતા ગામના અગ્રણીઓ, વાલીઓ અને મુખ્ય શિક્ષકના પરિવારજનો વચ્ચે ચર્ચા યોજાઈ હતી. ચર્ચા દરમિયાન મુખ્ય શિક્ષક હવે લામડાપુરા શાળામાં ફરજ પર હાજર નહીં રહે તેવી મૌખિક ખાતરી આપવામાં આવતા મામલો તાત્કાલિક રીતે સમાધાનના માર્ગે ગયો હતો.

આ ઘટનાએ તાલુકાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ વિભાગની દેખરેખ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વાલીઓએ જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કરવાની માંગ કરી છે.

(9:19 PM IST)