તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
વડોદરામા પરશોત્તમનગર સોસાયટીના એક મકાનમા આરોપીએ દારૂનો જથ્થો મકાનના પી.ઓ.પી. ફોલ્સ સીલીંગમાં તેમજ મકાનમાં જ ચાલતા બ્યુટી પાર્લરના એક અલગ રૂમમાં કાવતરાપૂર્વક સંતાડી રાખ્યો'તો
શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ કમિશનર કચેરી હેઠળની પ્રોહિબિશન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ : દારૂ અને બિયરની કુલ 476 બોટલો મળીને રૂ. 2,61,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા તા.૨૩ : શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ કમિશનર કચેરી હેઠળની પ્રોહિબિશન ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કિશનવાડી વિસ્તારમાં આવેલી પરશોત્તમનગર સોસાયટીના એક મકાનમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડતા પોલીસ પણ ક્ષણિક રીતે ચોંકી ઉઠી હતી.
મળતી માહિતી મુજબ, આરોપીએ દારૂનો જથ્થો સામાન્ય રીતે છુપાવવા બદલે મકાનના પી.ઓ.પી. (POP) ફોલ્સ સીલીંગમાં તેમજ મકાનમાં જ ચાલતા બ્યુટી પાર્લરના એક અલગ રૂમમાં કાવતરાપૂર્વક સંતાડી રાખ્યો હતો. પોલીસ ટીમે સચોટ માહિતીના આધારે સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મકાનની અંદર POP છતના ભાગમાંથી તેમજ પાર્લરના રૂમમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 476 બોટલો મળી આવી હતી. પોલીસ ટીમે જપ્ત કરાયેલા જથ્થાની કુલ કિંમત રૂ. 2,61,120 હોવાનું પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે.
સમગ્ર કાર્યવાહી દરમિયાન હિતેષકુમાર રતિલાલ જયસ્વાલ નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે સંડોવાયેલા જીગ્નેશ ઉર્ફે જીગો પરમાર નામના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતી નવી-નવી રીતો પોલીસ માટે પડકારરૂપ બની રહી છે. જોકે, સતર્ક કામગીરીના કારણે આ કાવતરું સમયસર બહાર આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી અને દારૂનો જથ્થો ક્યાંથી મંગાવ્યો તથા અન્ય કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
